પરમાર્થના યુધ્ધમાં કૃષ્ણ પડખે રહે, સ્વાર્થના યુધ્ધમાં નહીં

  • November 10, 2023 01:43 PM 

કૃષ્ણએ ઉત્તરાના ગર્ભને જીવિત કરવા માટે જે વચનો કહ્યાં તેમાં તેમના જીવનભરનું પૂણ્ય તો હતું જ, કૃષ્ણ ઉપર જે જે આળ મૂકવામાં આવ્યા હતા તે ખોટાં હતાં તેનું પ્રમાણ પણ હતું. કૃષ્ણએ પોતાના મામા કંસનો વધ કર્યો એ બાબત શિશુપાલથી માંડીને જરાસંધ સુધીના તમામે અયોગ્ય ગણાવી છે. કૃષ્ણએ આખી જિંદગી આ અક્ષેપનો જવાબ નથી આપ્યો પણ, જ્યારે બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની ઘડી આવી ત્યારે તેનો ઉલ્લેખ કર્યો. આ ઉલ્લેખ કરવાનું કારણ એ હતું કે જો કૃષ્ણની વાત ખોટી નીકળે તો ઉત્તરાનો ભર્ગ સજીવન થાય નહીં એટલે કૃષ્ણએ આ મોકાને કસોટી તરીકે ઉપયોગમાં લીધો. કંસ અને કેશી દૈત્યને મેં જો ધર્મપૂર્વક માર્યા હોય તો આ બાળક જીવિત થાય એવું વચન કૃષ્ણ બોલ્યા. બાળક સજીવન થાય તો સમજવું કે કંસનો વધ ધર્મપૂર્વકનો હતો. કેશી દૈત્યના વધ બાબતે કૃષ્ણ પર આળ લાગ્યું નહોતું છતાં એનો ઉલ્લેખ થયો છે તે કદાચ પ્રાસ મેળવવા માટે છે. કૃષ્ણ પર બીજું સૌથી મોટું આળ અસત્ય આચરણ, કપટનું હતું. મહાભારત યુધ્ધમાં કૃષ્ણએ કપટ કર્યું છે એવું કર્ણથી માંડીને દુર્યોધન અને અશ્ર્વત્થામા સુધીના બધાએ કહ્યું છે. કૃષ્ણએ આ દોષારોપણને પણ તાવણી પર તાવી જોવાની તક જતી કરી નહીં. મેં સત્ય અને ધર્મ બંનેનું પાલન કર્યું હોય તો આ ગર્ભ જીવિત થાઓ એવું કૃષ્ણએ કહ્યું. મહાભારતનું યુધ્ધ અધર્મ વડે જીતવામાં આવ્યું, કૃષ્ણએ દ્રોણાચાર્ય, કર્ણ વગેરેને અધર્મ વડે મરાવ્યા એવા આરોપો પણ આ દુહાઈ ખોટા ઠરાવે છે. 


ઉત્તરાના ગર્ભને સજીવન કરવો એ કૃષ્ણ માટે આ કારણોસર પણ મહત્વનું હતું. આ એક જ તક એવી હતી જ્યાં કૃષ્ણનું સત્ય, તેમનું દૈવત અને તેમની ક્ષમતા સીધેસીધી મપાઈ જવાની હતી. આ કૃષ્ણની પોતાની પણ કસોટી હતી અને કૃષ્ણની ભીતરના કૃષ્ણની પણ કસોટી હતી. જીંદગીભર જેને ધર્મ માન્યો, જેને સત્ય માન્યું, જે મુજબ પૂરું જીવન જીવ્યા, પોતાને અયોગ્ય લાગે તેવા કોઈ બંધનોને સ્વીકાર્યા નહીં, પોતાને સમાજ માટે જે અયોગ્ય લાગ્યા તે ધાર્મિક અને સામાજિક નિયમો અને ‚ઢીઓને બિન્ધાસ્ત તોડી, નિર્બંધ જીવ્યા એ બધું જ યોગ્ય હતું એ કૃષ્ણનો માંહ્યલો જાણતા હતો, એને પુન:દૃઢીભૂત કરવા માટેની આ આત્મકસોટી પણ હતી. કૃષ્ણ બહુ જ સાવધ સાધક હતા. પોતાને પણ તાવી જૂએ, ચકાસી જૂએ.
કૃષ્ણએ બ્રહ્માસ્ત્રને પાછું વાળી લીધું એટલે તે પ્રજ્જવલિત અસ્ત્ર પિતામહ બ્રહ્મા પાસે ચાલ્યું ગયું એવો ઉલ્લેખ મહાભારતમાં છે. બ્રહ્માસ્ત્રથી મુક્ત થયેલો બાળક પોતાની શક્તિ અને ઉત્સાહ મુજબ ચેષ્ટાઓ કરવા માંડ્યો. કૃષ્ણએ બ્રાહ્મણો પાસે પૂણ્યાહવાચન કરાવડાવ્યું. ઉત્તરા બાળકને તેડીને ઉભી થઈ અને કૃષ્ણને પ્રણામ કર્યા. કૃષ્ણએ અનેક રત્નો તેને ભેટ આપ્યા. સાથે આવેલા યાદવોએ પણ ઉત્તરાને ઉપહાર તરીકે રત્નો આપ્યા. યાદવકુળનું મામેરું કાંઈ જેવું તેવું ન હોય. આમ તો બાળકને જીવિત કરવો એ જ સૌથી મોટું મામેરું હતું પણ ભૌતિક મામેરામાં પણ યાદવવંશ પાછો પડે તેમ નહોતો. બાળકનું નામ પણ કૃષ્ણએ જ પાડ્યું. ‘પરિક્ષીણે કુલે પરિક્ષિત ઈતિ નામ?’ પાંડવોના ક્ષીણ થઈ રહેલા કુળને ક્ષીણ થતું રોકનાર હોવાથી આ પુત્રનું નામ પરિક્ષિત રહેશે એવું કૃષ્ણએ કહ્યું એને જયજયકાર સાથે વધાવી લેવામાં આવ્યું.


પરિક્ષિત એક મહિનાનો થયો ત્યારે પાંડવો હિમાલયમાંથી મ‚ત રાજાનો ખજાનો લઈને હસ્તનાપુર પરત આવ્યા. કૃષ્ણએ ઉત્તરાના મૃત જન્મેલા પુત્રને પુન:જીવિત કર્યો છે તે સાંભળીને પાંડવોએ કૃષ્ણની પૂજા કરી. વૃષ્ણી અને અંધાવંશી યાદવો પણ કૃષ્ણની પૂજા કરવા માંડ્યા.
અહીં ભોજવંશી યાદવોનો ઉલ્લેખ નથી. કંસ ભોજવંશનો હતો એટલે કદાચ હજી ભોજવંશીઓના મનમાં થોડી કડવાશ રહી ગઈ હોય તેને કારણે હશે? અશ્ર્વમેધ માટે જ‚રી નાણા મળી ગયા હોવાથી ઉત્સાહિત યુધિષ્ઠિરે વ્યાસમુનિ પાસે યજ્ઞની અનુમતિ મેળવ્યા પછી કૃષ્ણ પાસે આવીને વિનંતિ કરી કે ‘અમે જે કશું મેળવ્યું છે તે તમારા લીધે જ મેળવ્યું છે. તમે જ અશ્ર્વમેધ યજ્ઞની દીક્ષા લો’ યુધિષ્ઠિરની આ વિનંતિ સમજવા જેવી છે. અશ્ર્વમેધ યજ્ઞમાં જે દીક્ષા લે તે ચક્રવર્તી સમ્રાટ કહેવાય. કૃષ્ણ પર એક આળ હતું કે તે રાજા નથી. દ્વારકાના રાજા પણ ઉગ્રસેન, અંધક હતા. યુધિષ્ઠિરે કૃષ્ણ પરથી આ ડાઘ દૂર કરવા માટે તેમદે યજ્ઞની દીક્ષા લેવા માટે વિનંતિ કરી. પણ, અશ્ર્વમેધની દીક્ષાને લીધે સમ્રાટ કહેવડાવવું કૃષ્ણને ગમે નહીં. તેનું મહારાજાધિરાજપણું અશ્ર્વમેધને મોહતાજ ન હોય. કૃષ્ણ રાજસિંહાસને ન બેસે તો પણ રાજાધિરાજ જ હોય. ભારતવર્ષના રાજાઓ અને પ્રજાના હૃદયમાં કૃષ્ણ રાજા જ હતા, સૌથી વધુ સામર્થ્ય ધરાવનાર હતા. તેમનો પ્રભાવ કોઈ રાજસિંહાસન પુરતો મર્યાદિત નહોતો. કૃષ્ણએ આ વિનંતિને સન્માનપૂર્વક નકારી અને યુધિષ્ઠિરને જ દીક્ષા અપાવી.


જે કૃષ્ણ મહાભારત યુધ્ધમાં પાંડવોની પડખે રહ્યા તે કૃષ્ણ અશ્ર્વમેધ યજ્ઞમાં અર્જૂનની સાથે યુધ્ધમાં ગયા નહીં. જે અર્જુન માટે કૃષ્ણ સર્વસ્વ હોમી દેવા તૈયાર હતા તે અર્જુનને એકલો જ જવા દીધો. મહાભારત યુધ્ધ ધર્મયુધ્ધ હતું. એ કૃષ્ણનું જીવનકર્તવ્ય હતું. અધર્મના નાશ માટે કૃષ્ણએ જન્મ લીધો તેનું નિમિત્ત હતું. એટલે કૃષ્ણ અયુધ્યમાન રહેવા છતાં સારથી તરીકે ક્ષણેક્ષણ યુધ્ધભૂમિમાં રહ્યા. એ યુધ્ધ પરમાર્થ માટેનું હતું એટલે કૃષ્ણ તેમાં પાંડવોની પડખે ઉભા રહ્યા. અશ્ર્વમેધ યજ્ઞની લડાઈઓ સત્તા અને ધન મેળવવા સ્વાર્થ માટેની હતી, કૃષ્ણ એમાં ભાગીદાર ન બને અને જો બને તો પોતે જ નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મનો જે ઉપદેશ ગીતામાં આપ્યો હતો તે ખોટો ઠરે. પરમાર્થની લડાઈમાં કૃષ્ણ તમારી સાથે ઉભા રહેશે પણ સ્વાર્થની લડાઈમાં તમારો સાથ નહીં જ આપે, ભલે તમે તેને અર્જુન જેટલા પ્રિય હો તો પણ.
​​​​​​​
અશ્ર્વમેધ માટેના અર્જુનના યુધ્ધોમાં ઉલ્લેખ કરવા જેવી અમુક જ બાબતો છે અર્જુનના જ, ચિત્રાંગદાના પેટે જન્મેલા પુત્ર બબુવાહન દ્વારા અર્જુનનો વધ થયો અને પાર્થની બીજી પત્ની ઉલુપી દ્વારા નાગલોકના મણી દ્વારા તેને સજીવન કરવો, મગધરાજ જરાસંધના પુત્ર સહદેવ પાંડવો તરફથી લડ્યો હતો પણ સહદેવનો દીકરો મેઘસંધિ ધરાર લડવા માટે આવ્યો જેને અર્જુને પરાજિત કર્યો. દૂર્યોધનના બનેવી જયદ્રથનો પુત્ર સુરથ તો અર્જુન આવે છે તે સાંભળીને જ ઢળી પડ્યો. તેના બાળપુત્રને લઈને દૂર્યોધનની બહેન દુ:શલા અર્જુન પાસે આવી, પાર્થે તેને અભયવચન આપ્યું. શકુનીનો પુત્ર પણ પહેલા લડ્યો અને પછી શરણાગત થયો. અશ્ર્વમેધનો અશ્ર્વ દ્વારકા પહોંચ્યો એટલે યાદવ યુવકોએ બળજબરીથી તેને પકડી લીધો અને યુધ્ધ થાય તેવો પ્રસંગ ઉભો કરવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. પણ રાજા ઉગ્રસેને આવીને તેમને વાર્યા અને અર્જુનનું સ્વાગત કર્યું. દ્વારકાના યુવાનો કેટલા ઉચ્છંખલ થઈ ગયા હશે કે કૃષ્ણના પરમ સખા ફોઈના દીકરા અર્જુનના અશ્ર્વને પકડીને તેની સાથે યુધ્ધ થાય તેવા પ્રસંગ ઉભા કર્યા. દ્વારકામાં અર્જુનથી કોઈ અપરિચીત હોય નહીં. સુભદ્રાને કારણે અર્જુન વારંવાર દ્વારકામાં આવીને રહ્યો છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ દ્વારકાના જ યુવાનોની સાથે મોટો થયો. છતાં, ત્યાંના યુવાનો પાંડવોનો અશ્ર્વમેધનો અશ્ર્વ પકડી લે તે વિનાશકાળે વિપરીત બુધ્ધિ દર્શાવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો ત્યારે કૃષ્ણએ તેને સ્વીકારી લીધો એનું કારણ પણ આ જ હતું. કૃષ્ણ ભવિષ્ય જોઈ શકતા હતા. દ્વારકાના યાદવ યુવાનો ઉદ્દંડ, ઉચ્છંખલ થઈને કેર વર્તાવશે એ ભાવિ કૃષ્ણને દેખાયું હતું એટલે તેમણે ગાંધારીને શ્રાપ પાછો ખેંચવા પણ કહ્યું નહીં, ઉલટું એમ કહ્યું કે હું જાણું છું કે એમ જ થવાનું છે. અશ્ર્વમેધ વખતે યાદવ યુવકોનું કૃત્ય યાદવાસ્થળીની દીશામાં આંગળી ચીંધતું વધુ એક કૃત્ય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application