રાજકોટ : ચોમાસાના બે મહિના વિતી જવા છતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં સંતોષકારક વરસાદ નહીં વરસતા રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી ૫૭ ડેમની જળ સપાટી હજુ પચાસ ટકા કે તેથી પણ ઓછી છે. અમુક અડધા તો અમુક અડધાથી ઓછા ભરેલા છે. જામનગર અને દ્રારકા જિલ્લાના મોટાભાગના ડેમો હજુ પણ તળિયાઝાટક છે. છેલ્લા એક પખવાડિયાથી મેઘવિરામ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાત જળાશયોમાં નવા નીરની નજીવી આવક નોંધાઇ છે. શ્રાવણ ભાદરવા મહિનામાં સારો વરસાદ ન વરસે તો હાલત માઠી થવાના એંધાણ છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં ગોંડલી ડેમમાં ૦.૧૬ ફુટ, માલગઢ ડેમમાં ૦.૧૬ ફુટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૧માં ૦.૧૦ ફટ, ડેમી–૧માં ૦.૦૩ ફટ, જામનગર જિલ્લામાં સપડા ડેમમાં ૦.૩૩ ફુટ અને ઐંડ–૧માં ૦.૧૩ ફટ તેમજ વગડીયા ડેમમાં એક ફટ નવા નીરની આવક નોંધાઇ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી..