ભારતીય દર્શનમાં મૃત્યુ એટલે અંત નથી. જીવન પછી મૃત્યુ પછી જીવન પછી મૃત્યુની ઘટમાળ છે અને એનો અંત મોક્ષ છે. મુક્તિ છે. જીવન બંને બાજુથી મૃત્યુથી ઘેરાયેલું છે. જીવનની પહેલાં પણ મૃત્યુ અને અંતે પણ મૃત્યુ. બંને છેડેથી સગળતી મીણબત્તી જેવું છે જીવન. એમ પણ કહી શકાય કે મૃત્યુ બંને બાજુથી જીવનથી ઘેરાયેલું છે, પણ જીવન લાંબું હોય છે, મૃત્યુ માત્ર એક પળ હોય છે છતાં જીવન ક્ષણભંગુર છે અને મૃત્યુ શાશ્વત છે. મૃત્યુના ભયને લીધે માણસ માનવી બન્યો છે. મૃત્યુના ભયને લીધે આ જગતમાં સઘળું નિર્માયું છે. જો મૃત્યુ જ ન હોત તો કદાચ આ કશું જ ન હોત. ન ઈશ્વરના અવતારો જનમ્યા હોત, ન માણસો બન્યા હોત, ન ધર્મો રચાયા હોત, ન સદાચાર-અનાચાર, સત-અસતના ભેદ પડ્યા હોત. મૃત્યુ ન હોત તો જગત સ્થિર હોત. ગતિશીલ ન હોત. વાઇબ્રન્ટ ન હોત. વિકાસશીલ ન હોત. મૃત્યુ એકમાત્ર નિશ્ચિત ચીજ છે, બાકી બધું અનિશ્ચિત છે. ઈશ્વરના અસ્તિત્વ ઉપર શંકા કરી શકાય, કારણ કે એ દેખાતા નથી, પરંતુ મૃત્યુના અસ્તિત્વ પર શંકા કરી શકાય તેમ નથી. પડછાયાની જેમ તે તમારી સાથે રહે છે. ભયંકર ભાસે છે. તેનો ડર કાળજું કંપાવતો રહે છે. મૃત્યુ વિનાશક લાગે છે. વિધ્વંશક લાગે છે, પણ મૃત્યુ ખરેખર ભયંકર હોતું હશે? કેટલીય વખત મોત તમારી નજીકથી પસાર થઈ જાય છે અને તમે હચમચી જાવ છો. મોતની એક ઝલક મળે છે અને તમે ડરી જાવ છો. એ મોતનો આભાસ છે. આપણે ત્યાં મૃત્યુ વિશે વાત કરી શકાતી નથી. મોત શબ્દ બોલવાનું ટાળવામાં આવે છે. મોતનો ડર આ પલાયન કરાવડાવે છે. નચિકેતાએ યમરાજને મૃત્યુનું રહસ્ય પૂછ્યું હતું. એ બાળક પૂછવાની હિંમત કરી શકતું હતું, આપણે નથી કરી શકતા. મોત વિશે વિચારતા જ નથી એટલે જીવન સમજાતું નથી. મૃત્યુને સમજવું એ જીવનને સમજવું જ છે. કાલે જ મોત આવી જશે એવું વિચારીને જીવવું જોઈએ એવા સુવિચાર આપણને યાદ છે, પણ એ રીતે જીવી શકતા નથી. પ્રયત્ન જ નથી કરતા. જીવતા હોવા છતાં પોતાને મરેલા માનીને જીવે તે સાચું જીવી શકે. ક્ષણે ક્ષણને જીવી શકે, માણી શકે. પૂર્ણતાથી પામી શકે જીવનને. એ પ્રેમ કરે તો પણ સંપૂર્ણતાથી કરે. એ કર્મ કરે એ પણ પૂર્ણ નિષ્ઠાથી કરે. સમષ્ટિ સાથે એનું તાદાત્મ્ય સધાઈ ગયું હોય. ભાવના સાગરમાં એ હિલોળા લેતો રહે. મૃત્યુ જ્યારે સમજાય જાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે જ જ્યારે યમરાજે મૃત્યુ વિદ્યા શિખવવાને બદલે આખી પૃથ્વીનું રાજ્ય આપવાનું કહ્યું ત્યારે પણ નચિકેતા માન્યો નહોતો. તે સમજી ગયો હતો કે જે વસ્તુને બદલે યમરાજ આટલું બધું આપવા તૈયાર થયા છે તે કેટલી અલભ્ય ચીજ હશે. મૃત્યુ અલભ્ય નથી, મૃત્યુ સમજવું મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે સમજતા ડર લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech