રાજકોટ શહેરમાં શિયાળાની ઋતુમાં લઘુતમ તાપમાનનો પારો ૯ ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાપાલિકાના પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં રહેતા સિંહ, વાઘ અને દીપડા સહિતના પ્રાણીઓ પણ ઠંડીથી થર થર ધ્રૂજી ઉઠ્યા હોય મહાપાલિકા દ્વારા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા નિર્માણ કરાઇ છે. તદ ઉપરાંત હિંસક પ્રાણીઓનો ખોરાક પણ ઋતુગત કારણે વધતા તેમને દરરોજ ૧૦થી ૧૫ ટકા વધુ ખોરાક આપવાનું શરૂ કર્યું છે.
વિશેષમાં ઝૂ સુપ્રિટેન્ડેન્ટ હીરપરાએ જણાવ્યું હતું કે, સિંહ, વાઘ, દીપડાનાનાઇટ શેલ્ટરના બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરાયા છે.
ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.
સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.
તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે.
નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે.
જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.
આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.
સફેદ વાઘ આપી પીળા પોપટ ને કાળા કૂતરા મેળવ્યા
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી તથા ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા સયાજીબાગ ઝૂ, વડોદરાને વન્યપ્રાણી વિનિમય કરવા મંજુરી અપાતા રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા સયાજીબાગ ઝૂ, વડોદરાને સફેદ વાઘ જોડી-૧ (નર તથા માદા) તથા હોગ ડિઅર નર-૨ આ૫વામાં આવેલ. જયારે સયાજીબાગ ઝૂ, વડોદરા દ્વારા રાજકોટ ઝૂને એમેઝોન પેરોટ-૪, બ્લુ એન્ડ ગોલ્ડ મકાવ-૦૨, ઇકલેકટસ પેરોટ-૨, બ્લેક શ્વાન-૨ રીંગ નેક્ડ ફિઝન્ટ-૨ તથા હોગ ડિઅર નર-૨ આ૫વામાં આવેલ છે.