BREAKING NEWS

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ: આજે સાંજ સુધીમાં તારીખો જાહેર થવાની શક્યતા

  • April 01, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે 5 વાગ્યાની આસપાસ ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ તુરંત જ અથવા આવતીકાલ સુધીમાં રાજ્યમાં ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર થવાની પૂરી શક્યતા છે.


બે તબક્કામાં યોજાઈ શકે છે મતદાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચ બે તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરી રહ્યું છે:

પ્રથમ તબક્કો: રાજ્યની 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.

બીજો તબક્કો: 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકાઓ માટે મતદાન હાથ ધરાશે.

ચૂંટણી પંચે આજે સાંજે 5 વાગ્યે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી છે, જેમાં સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ અને આચારસંહિતાની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.


વહીવટદાર શાસનનો આવશે અંત

આ વખતે SIR ની કામગીરીને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણીઓ યોજાઈ શકી નહોતી, જેના કારણે અનેક સંસ્થાઓમાં વહીવટદારની નિમણૂક કરવાની ફરજ પડી હતી. હવે નવી ચૂંટાયેલી પાંખ આવતા જ ફરી લોકશાહી શાસનનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં 23 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ હતી અને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.


રાજકીય પક્ષોમાં 'સેન્સ' પ્રક્રિયા તેજ

ચૂંટણીના ભણકારા વાગતા જ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં નિરીક્ષકોની ટીમ મોકલીને ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પક્ષો હવે જીતી શકે તેવા મજબૂત ચહેરાઓની શોધમાં છે.

આગામી થોડા કલાકો ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. મતદાર યાદીમાં થયેલા સુધારા-વધારા બાદ હવે નવા અને યુવા મતદારો કોના પક્ષમાં મતદાન કરશે તેના પર સૌની નજર ટકેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application