BREAKING NEWS

સરધારમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના... યુવતીને ગળા પર છરી હુલાવી પ્રેમીએ ખુદના પેટમા છરીના ઘા ઝીંક્યા

  • November 12, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામે ચોંકાવનારો બનાવ બનવા પામ્યો છે. મૂળ રાજકોટ તાલુકાના રાજપર ગામના વતની અને હાલ રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા પરિણીત શખસે સરધારમાં રહેતી પ્રેમિકાના ઘરે વહેલી સવારે પહોંચી જઇ તેને ગળાનાભાગે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં આ શખસે ખુદને પેટના ભાગે છરીનો ઘા મારતા બંને ઇજાગ્રસ્ત થયા હતાં.યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જયારે તેની છરી મારનાર શખસને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


પત્ની સાથે છૂટાછેડાની વાત ચાલી રહી છે

હુમલો કરનાર આ શખસ પરિણીત હોય અને તેને સરધારની યુવતી સાથે પ્રેમ સંબંધ થયા બાદ પત્ની સાથે ઝઘડો થતા તે હાલ રિસામણે છે અને છૂટાછેડાની વાત ચાલી રહી છે. દરમિયાન આજે આ શખસ યુવતીના ઘરે ગયો હતો અને લગ્નની વાત કરતા યુવતીએ લગ્નનો ઇનકાર કરી દેતા ઉશ્કેરાઇ ગળાનાભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. હાલ યુવતી અને તેના પર હુમલો કરનાર આ શખસ ભાનમાં ન હોય બંને હોશમાં આવ્યા બાદ ઘટના ખરેખર શું બની તે જાણી શકાશે.


યુવતી લોહીલુહાણ થઇ ગઇ 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ સરધાર ગામે રહેતી હિના ભરતભાઇ બુદાસણા(ઉ.વ. ૨૮) નામના યુવતીના ઘરે રાજપરાનો નીકુંજ અરવિંદ વેકરીયા(ઉ.વ.૩૦) નામના શખસે વહેલી સવારના સુમારે ધસી આવી કોઇ બાબતે બોલાચાલી યુવતીના ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધા હતા. જેથી યુવતી લોહીલુહાણ થઇ ગઇ હતી. બાદમાં આ શખસે પોતાને પણ છરી મારી દેતા તેને પણ ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા યુવતીના પરિવારજનો તેને ગંભીર હાલતમાં સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલ લઇ ગયા હતાં. જયારે યુવતી પર હુમલો કરનાર રાજપરના આ શખસને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


નીકુંજ વકરીયા મૂળ રાજકોટ તાલુકાના રાજપરા ગામનો વતની

પટેલ યુવતી પર ખૂની હુમલાની આ ઘટનાને પગલે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા, એએઅસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવીભાઇ વાંક, કિશન આહિર સહિતનો સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરી છે. હત્યાના પ્રયાસની આ ઘટના અંગે વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, જેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે તે પટેલ યુવતી હિનાના પિતા ખેતીકામ કરે છે યુવતી રોટલી વણવા જાય છે. યુવતી ત્રણ બહેન એક ભાઇના પરિવારમાં વચેટ છે. જયારે તેના પર હુમલો કરનાર નીકુંજ વકરીયા મૂળ રાજકોટ તાલુકાના રાજપરા ગામનો વતની છે અને હાલ તે રાજકોટમાં મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોક પાસે રહે છે અને પ્લમ્બીંગ કામ કરે છે.


નિકુંજના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં

વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ, નિકુંજના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં.બાદમાં તેને સરધારની હિના સાથે પ્રેમસંબંધ થયો હતો. આ વાતની જાણ નિકુંજની પત્નીને થઇ જતા બંને વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા બાદમાં નિકુંજની પત્ની રિસામણે ચાલી ગઇ હતી. આજરોજ સવારના સુમારે નિકુંજ યુવતીના ઘરે ધસી આવ્યો હતો. તેણે હિનાને પોતાના છુટાછેડાની વાત ચાલતી હોય અને લગ્ન કરી લેવાની વાત કરી હતી. પરંતુ યુવતીએ છુટાછેડા થયા બાદ વાત આગળ વધારીશું તેમ કહેતા બંને વચ્ચે લગ્નની વાતને લઇ બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાર નિકુંજે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી યુવતીને ગળાનાભાગે છરીનો ઘા મારી ખુદને પેટના છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ અંગે આજીડેમ પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application