ગીર સોમનાથ જિલ્લાને મેઘારાજાએ ધમરોળી નાખ્યું છે. અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. સતત વરસી રહેલા ભારે વરસાદથી સુપ્રસિદ્ધ માધવરાયનું મંદિર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સરસ્વતી નદી બે કાંઠે થતા મંદિર જળમગ્ન બન્યું છે અને ભગવાનની મૂર્તિ પર 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું
મળતી માહિતી મુજબ, સરસ્વતી નદીમાં પાણીની સપાટી એટલી હદે વધી ગઈ છે કે, તે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. માધવરાય ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ભગવાન માધવરાયની પ્રતિમા ઉપર પણ 8થી 10 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું છે. પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી મંદિરના દર્શન અને પૂજા-અર્ચના બંધ કરી દેવામાં આવ્યા છે. પૌરાણિક મંદિર જળમગ્ન થતાં શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની ચેતવણી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.