મદ્રાસ હાઈકોર્ટે કરુર ભાગદોડ કેસ અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર તમામ રાજકીય રેલીઓ, રોડ શો અને અન્ય જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો માટે એસઓપી બનાવવામાં ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.
ટીવીકે નેતા વિજયની રેલી દરમિયાન કરુરમાં થયેલી ભાગદોડ જેવી ઘટનાઓને રોકવા માટે એસઓપી બનાવવામાટે દિશા નિર્દેશો માંગતી ચાર જાહેર હિતની અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ જારી કર્યો હતો.
કરુર ભાગદોડ કેસમાં કોર્ટના આદેશ બાદ, રાજ્ય સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે જ્યાં સુધી રેલીઓ માટે એસઓપી વિકસાવવામાં ન આવે ત્યાં સુધી તે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કોઈપણ મેળાવડાને મંજૂરી આપશે નહીં. જોકે, પૂર્વનિર્ધારિત સ્થળોએ રેલીઓ અથવા મેળાવડાઓ યોજી શકાય છે.
તાજેતરના કરુર ભાગદોડ માટે ન્યાયાધીશ સેન્થિલકુમારે તમિલનાડુ પોલીસની આકરી ટીકા કરી. કોર્ટે પોલીસને ઠપકો આપ્યો અને પૂછ્યું કે શું આ ઘટનાના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે પોલીસને પ્રશ્ન કરતા કહ્યું, આ નાસભાગ અંગે કેસ કેમ નોંધવામાં આવ્યો નથી? ભલે કોઈ ફરિયાદ દાખલ ન થઈ હોય, છતાં પોલીસે કેસ દાખલ કરવો જ જોઇએ.
કરુર નાસભાગ કેસની તપાસ માટે કોર્ટે એક એસઆઈટીની રચના કરી છે. ટીમનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર જનરલ આસરા ગર્ગ કરશે. કોર્ટે કરુર પોલીસને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો તાત્કાલિક એસઆઈટીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ સેન્થિલકુમારે અરજીની સુનાવણી કરતી વખતે, નાસભાગમાં ઘાયલ થયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઘટનાનો વીડિયો જોવો દુઃખદાયક હતો. તેમણે નોંધ્યું કે અત્યાર સુધીમાં ફક્ત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અધિકારીઓને આગળની કાર્યવાહી અંગે પ્રશ્ન કર્યો.
ટીવીકેનેતા વિજયે 27 સપ્ટેમ્બરના રોજ કરુરમાં ચૂંટણી પ્રચાર રેલી યોજી હતી. રેલી ભયાનક અકસ્માતમાં ફેરવાઈ ગઈ. નાસભાગના કારણે 41 લોકોનાં મોત થયાં અને ઘણા લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.