નવા વર્ષની ઉજવણી પૂર્વે દેશભરના ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વર્ષના અંતિમ દિવસોમાં અને નવા વર્ષની શુભ શરૂઆત માટે ભગવાનના દર્શન કરવાની ભાવનાથી લાખો શ્રદ્ધાળુઓ મંદિરો તરફ ઉમટી રહ્યા છે. પરિણામે દેશના અનેક મોટા અને પ્રસિદ્ધ મંદિરોમાં મહાકુંભ જેવી ભીડ સર્જાઈ છે. વહેલી સવારથી જ મંદિરોના પ્રવેશદ્વારો પર લાંબી લાઈનો લાગી રહી છે અને બે સેકંડના દર્શન માટે પણ ભક્તોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી, તિરુપતિ બાલાજી, શિરડી સાઈબાબા, સોમનાથ, દ્વારકાધીશ સહિત અનેક મોટા ધાર્મિક સ્થળોએ ભક્તોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. કેટલાક મંદિરોમાં તો રોજિંદી સંખ્યાની સરખામણીએ બે થી ત્રણ ગણાં વધુ શ્રદ્ધાળુઓ પહોંચતા મંદિર વ્યવસ્થાપન માટે પડકાર ઉભા થયા છે. નવા વર્ષની શુભકામનાઓ સાથે સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવા ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને મંદિર પ્રશાસન દ્વારા વિશાળ સુરક્ષા અને વ્યવસ્થાપન યોજનાઓ અમલમાં મૂકાઈ છે. મંદિરો આસપાસ વધારાના પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરા, ડ્રોન નજરદારી અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને સરળ અને સલામત રીતે દર્શન મળી રહે તે માટે અલગ-અલગ કતારો, સમય આધારિત પ્રવેશ પાસ અને ઓનલાઇન બુકિંગ જેવી વ્યવસ્થાઓ પણ અમલમાં છે.
ભીડના કારણે કેટલીક જગ્યાએ માર્ગ પરિવહન પર અસર જોવા મળી રહી છે. ટ્રાફિક જામ, પાર્કિંગની અછત અને લાંબી રાહ જોવાની સ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં શ્રદ્ધાળુઓમાં કોઈ અસંતોષ જોવા મળતો નથી. લાંબી લાઈનમાં ઉભા રહીને પણ ભક્તો ભજન-કીર્તન અને જાપ સાથે આનંદપૂર્વક સમય પસાર કરી રહ્યા છે.
પ્રશાસન દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરે, ધીરજ રાખે અને સહકાર આપે. આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, બાળકો અને વિશેષ જરૂરિયાત ધરાવતા લોકો માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. કુલ મળીને, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશભરના ધાર્મિક સ્થળો પર શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે, જે ભારતીય સંસ્કૃતિ અને આસ્થાની મજબૂત પરંપરાને પ્રતિબિંબિત કરે છે.
ખાટુશ્યામ મંદિરમાં વીઆઈપી સુવિધા બંધ: માત્ર બે સેકંડ માટે જ થશે દર્શન
નવા વર્ષનું સ્વાગત કરવા અને એકાદશીના શુભ પ્રસંગે ખાટુશ્યામજી મંદિરમાં શ્યામ ભક્તોની મોટી ભીડને ધ્યાનમાં રાખીને, મંદિર સમિતિએ ખાસ વ્યવસ્થા કરી છે. આજથી એક જાન્યુઆરી સુધી દર્શન માટે મંદિર સતત ખુલ્લુ રહેશે. જેથી દૂર દૂરથી આવતા ભક્તો કોઈપણ અવરોધ વિના બાબા શ્યામના દર્શન કરી શકે. આનાથી રાત્રે પણ દર્શન કરી શકાશે અને લાંબી કતારોમાં ભાવિકો જોવા મળશે. વીઆઈપી દર્શન સંપૂર્ણપણે બંધ થવાથી સામાન્ય ભક્તોને પ્રાથમિકતા મળશે. સિસ્ટમ બધા માટે એકસમાન રહેશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, નવા વર્ષના દિવસે અપેક્ષિત મોટી ભીડને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
દ્વારકામાં દર્શન સાથે વર્ષનો અંતિમ સૂર્યાસ્ત નિહાળવા માનવ મહેરામણ
યાત્રાધામ દ્વારકામા નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભારે જનમેદની ઉમટી પડી છે. વહેલી સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે માનવ મહેરામણ જોવા મળ્યો હતો. નવા વર્ષનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કરવા દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા આવી પહોંચ્યા છે. આ ઉપરાંત દ્વારકામાં વર્ષનો અંતિમ સૂર્યાસ્ત સમુદ્રમાં સમાઈ જવાનો મનમોહક નજારો જોવા માટે પણ દરવર્ષે પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે દ્વારકા ખાતે આવેલ સનસેટ પોઇન્ટ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. આ દરમિયાન લોકો વર્ષ 2025 ના આથમતા અંતિમ સૂર્યને નિહાળવા દેશ-વિશેષથી સહેલાણીઓ આવી પહોંચ્યા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા રહ્યો છે.
વૈષ્ણો દેવીમાં ભક્તોનું ઘોડાપુર
નવા વર્ષના આગમન સાથે, માતા વૈષ્ણો દેવીની પવિત્ર યાત્રા ફરી એકવાર શ્રદ્ધા અને ભક્તિથી ભરાઈ ગઈ છે. ‘જય માતા દી’ના નારા અને સ્તોત્રો વાતાવરણ ભક્તિમય બન્યું છે. છે. ઠંડી અને લાંબી યાત્રા છતાં, ભક્તો અતૂટ ઉત્સાહ સાથે તેમની યાત્રા ચાલુ રાખી રહ્યા છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ ઉચ્ચ ચેતવણી પર છે. ભવન રૂટ અને બેઝ કેમ્પ કટરા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અયોધ્યામાં દર્શન માટે બે કિલોમીટર લાંબી લાઈન
અયોધ્યામાં, વર્ષના અંતિમ સપ્તાહમાં રામલલ્લાના દર્શન માટે ભારે ભીડ ઉમટી રહી છે. દરરોજ 150,000થી વધુ ભક્તો દર્શન કરી રહ્યા છે. વર્ષના અંતિમ દિવસે અને પ્રતિષ્ઠા દ્વાદશીના અવસર પર આજે 2,00,000થી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. હાલમાં, સવારથી મોડીરાત સુધી ભક્તોની બે કિલોમીટર લાંગી લાઈનો જોવા મળી રહી છે. વહીવટીતંત્રે યોગ્ય વ્યવસ્થા કરી છે.
નવા વર્ષનો આરંભ ભગવાન આશીર્વાદથી કરવા ભક્તો વૃંદાવનમાં ઉમટી પડ્યા
નવા વર્ષનો આરંભ ભગવા આશીર્વાદથી કરવા દેશ-વિદેશમાંથી ભક્તો વૃંદાવનમાં ઠાકુર શ્રી બાંકે બિહારી મંદિર પહોંચી રહ્યા છે. વહીવટીતંત્ર અને ઉચ્ચ સત્તા વ્યવસ્થાપન સમિતિએ નવા વર્ષ 2026 ની ઉજવણી માટે ભક્તો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. વહીવટીતંત્રે 29 ડિસેમ્બર, 2025 થી 5 જાન્યુઆરી, 2026 સુધી વૃંદાવનમાં ભારે ભીડની આગાહી કરી છે. સલામતી સુનિશ્ચિત કરવા માટે, બહારના મુલાકાતીઓને આ સમયગાળા દરમિયાન તેમની મુલાકાત મુલતવી રાખવા અથવા મુલાકાત લેતા પહેલા ભીડનું મૂલ્યાંકન કરવા વિનંતી કરવામાં આવી છે. ખિસ્સાકાતરુઓ અને મોબાઇલ ફોન ચોરોથી સાવધ રહેવા માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
મહાકાલ મંદિરમાં 12 લાખ ભાવિકો કરશે દર્શન
ઉજ્જૈનમાં, ભક્તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ ઉમટી રહ્યા છે. વર્ષના અંતિમ દિવસોમાં, ભસ્મ આરતીથી લઈને સામાન્ય દર્શન સુધી, ભક્તોની ભીડ સતત વધી રહી છે. ઠંડી હોવા છતાં, અહીં શ્રદ્ધાની હૂંફ સ્પષ્ટપણે અનુભવી શકાય છે. નવા વર્ષના દિવસે મહાકાલ મંદિરમાં 12 લાખ શ્રદ્ધાળુઓના મંદિરમાં પહોંચવાની સંભાવના છે. હાલ મંદિર પરિસરમાં પગ મુકવાની જગ્યા નથી. કડક સુરક્ષા અને દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથમાં પાંચ દિવસમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા
નાતાલ અને 31 ડિસેમ્બરના મીની વેકેશન દરમ્યાન દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવીકોનો મોટો પ્રવાહ ઉમટી પડયો છે. ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું હોય તેમ સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથના અલોકીક દર્શન અને આરતીનો લ્હાવો લઇ ઘન્યતા અનુભવી રહ્યા છે.પાંચ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હોવાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
મથુરામાં દર્શન માટે ત્રણ કિલોમીટર ચાલવું પડશે
મથુરામાં ભક્તોની મોટી ભીડને કારણે દર્શન કરવા માટે ભક્તોએ લગભગ ત્રણ કિલોમીટર ચાલીને જવું પડી રહ્યું છે. બહારથી આવતા વાહનો માટે શહેરની આસપાસ અનેક પાર્કિંગ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. હોટેલ અને હોમસ્ટેના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે. વારાણસી, અયોધ્યા અને મથુરામાં હોટલના ભાડામાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. હોમસ્ટે રૂમ, જે એક સમયે સસ્તા ભાવે ઉપલબ્ધ હતા, હવે બમણા ભાવે ઉપલબ્ધ છે.
સાંવરિયા શેઠ મંદિરમાં અઢી કિમી લાંબી લાઈન
રાજસ્થાનમાં આવેલા સાંવરિયા શેઠ મંદિરમાં નવા વર્ષને લઈને ભાવિકોની ભીડ ઉમટી પડી છે. સાંવરિયા શેઠના દર્શન માટે જિક જેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. અઢી કિલોમીટર લાંબી લાઈન પાર કરીને શ્રદ્ધાળુઓ સાંવરિયા શેઠના દર્શન કરી શકશે. ભાવિકો માટે દર્શનનો સમય એક મિનિટ ફાળવવામાં આવ્યો છે. વૃદ્ધો, દિવ્યાંગ અને બાળકો માટે ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે. છ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રીનાથજીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓની સંભાવના
નવા વર્ષને લઈને શ્રીનાથજી મંદિરમાં એક લાખથી વધુ ભાવિકો દર્શન માટે ઉમટી પડે તેવી સંભાવના છે. વૃદ્ધો માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેના માટે વિશેષ લાઈન દ્વારા તેઓ દર્શન કરી શકશે. તેમજ બાળકો માટે અલગથી લાઈન રાખવામાં આવશે. દિવ્યાંગો માટે ટ્રાઇસિકલની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર ખડપગે રહેશે
વૈષ્ણો દેવીની યાત્રા નોંધણીના 24 કલાકની અંદર પૂર્ણ કરવી આવશ્યક
નવા વર્ષ પહેલા માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફા મંદિરમાં હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. કટરામાં યાત્રાળુઓની સંખ્યા 20,000 થી 26,000 ની વચ્ચે વધી ગઈ હોવાનું જાણવા મળે છે. આ વિશાળ ધસારાને પહોંચી વળવા માટે, રેલ્વેએ 27 ડિસેમ્બર, 2025 થી 1 જાન્યુઆરી, 2026 સુધી નવી દિલ્હી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે 04081 અને 04082 નંબરની ખાસ રિઝર્વ્ડ ટ્રેનો ચલાવી છે. નવા વર્ષની ઉજવણી અને યાત્રાળુઓના અપેક્ષિત મોટા ધસારાને ધ્યાનમાં રાખીને, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડએ નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં યાત્રાળુઓ માટે કટરામાં યાત્રા નોંધણી ફરજિયાત છે. નોંધણી બાદ યાત્રાળુઓએ આરએફઆઈડી યાત્રા કાર્ડ મળ્યાના 12 કલાકની અંદર તેમની યાત્રા શરૂ કરવી પડશે અને યાત્રા પૂર્ણ કર્યા પછી 24 કલાકની અંદર બેઝ કેમ્પ કટરા પરત ફરવું પડશે.