BREAKING NEWS

જામનગર : હાલારમાં બમ બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

  • February 16, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે મહાશિવરાત્રીનાં પર્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જામનગર, ખંભાળીયા, ધ્રોલ અને કાલાવડમાં વિશાળ શિવશોભા યાત્રા નીકળી હતી. જેમાં હજારો શિવભકતોએ પાર્વતી પતિને યાદ કર્યા હતા. બાર જયોતિર્લિંગ સમા દ્વારકાનાં નાગેશ્ર્વરમાં સમગ્ર ગુજરાતમાંથી શિવભકતો દર્શનાર્થે આવ્યા હતા. અને પુજા અર્ચન કર્યા હતા. ઠેર ઠેર ભકિતસમા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહાઆરતી, દીપમાળા, મહાપ્રસાદ, સંતવાણી, સોમેશ્ર્વર પુજા, શિવવંદના સહિતનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


નાગેશ્ર્વરની વાત લઇએ તો દ્વારકાનાં નાગેશ્ર્વર મંદિરમાં ગઇકાલે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૫ વાગ્યે આરતી, ત્યારબાદ શ્રૃંગાર દર્શન, ઉપરાંત નિરાજન મહાઆરતી રાત્રે ૮ વાગ્યે યોજવામાં આવ્યા હતા. આ મંદિરમાં ૪ પ્રહરની પુજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઇચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. નાગેશ્ર્વર મંદિરમાં પ્રથમ પ્રહરમાં ૯ થી ૧૧, દ્વિતિય પ્રહરમાં ૧૧થી ૧, તૃતીય પ્રહરમાં  ૧ થી ૩, ચતુર્થ પ્રહરમાં સવારે ૩ થી ૫ સુધી વિશેષ પુજા કરવામાં આવશે. ભડકેશ્ર્વર મહાદેવનાં મંદિરમાં પણ મહાશિવરાત્રીની સવારનાં ૪ વાગ્યાથી ઉજવણી થઇ હતી. શિવને દુગ્ધાભિષેક, જળાભિષેક, પવિત્ર તીર્થજળ અર્પણ કરીને પુજા અર્ચન કરાશે. અને ઢોલ નગારા સાથે શિવનો જયઘોષ તેમજ સાંજે મહાઆરતીનો કાર્યક્રમમાં શિવભકતોએ ભગવાન શિવની આરાધના કરી હતી.


જામનગરની વાત લઇએ તો રવિવારે સિદ્ધનાથ મંદિરેથી હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જે રાત્રીનાં ૨.૩૦ વાગ્યે ભીડભંજન મંદિર ખાતે પહોંચી હતી. ૪૫મી આ શિવશોભાયાત્રામાં ભગવાન શિવજીની ૬ ફૂટની કદની રજતજડિત છડી મુકવામાં આવશે. માર્ગમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી અને રાત્રે ૨.૩૦વાગ્યે ભીડભંજન મંદિર ખાતે પહોંચી હતી.


શિવરાત્રીના દિવસે દ્વારકામાં દરિયામાં કાંઠે આવેલ ભડકેશ્ર્વર મંદિરે પણ શિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. દુગ્ધાભિષેક, જળાભિષેક અને પવિત્ર તીર્થ જળ અર્પણ કરાશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોડપરમાં પણ મેલડીમાતાનાં મંદિર પાસે આવેલા કલ્યાણધામ આશ્રમમાં  શિવશોભાયાત્રા નીકળી હતી.. બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું  હતું. તેમજ જામનગરનાં સિદ્ધનાથ, ભીડભંજન, કાશીવિશ્ર્વનાથ, નાગેશ્ર્વર, ભુતનાથ, સુખનાથ, તારકેશ્ર્વર, હંસેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, બેડેશ્ર્વર, જડેશ્ર્વર, રામેશ્ર્વર, સોમનાથ, કામનાથ, નીલકંઠ, બદરીકેદારનાથ, કુબેરભંડારી, કાલેશ્ર્વર, વૈજનાથ, ગૌરીશંકર, હાટકેશ્ર્વર, હજારેશ્ર્વર, દક્ષિણમુખાય મહાદેવ, દુ:ખભંજન મહાદેવ સહિતનાં મંદિરોમાં શિવપુજા કરવામાં આવી હતી. 


ખંભાળીયામાં શિવરાત્રી નિમિતે શિવવર્ણાંગીનું શહેરમાં ભ્રમણ થયું હતું. ભૂદેવો ઉઘાડા પગે તેમાં જોડાશે. ૧૫૦ વર્ષથી આ પ્રકારે શિવવર્ણાંગી નીકળે છે. શિવરાત્રીનાં રોજ ખામનાથ મહાદેવનાં મંદિર ટ્રસ્ટ, બજરંગ દળ, વિશ્ર્વહિન્દુ પરિષદ તથા અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. ૨૦૦ કિલો વજનની શુદ્ધ ચાંદીની બનેલી શંકર પાર્વતી અને ગણેશજીની મુર્તિઓને ચાંદીની પાલખીમાં ચાંદીના ઘ્વજદંડ સાથે બેસાડવામાં આવશે. ભૂદેવોએ ધોતી અને પીતાંબરી પહેરી જોડાયા હતા. અને ખાસ કરીને ઉઘાડા પગે આ યાત્રામાં  ભુદેવો જોડાયા હતા. 

​​​​​​​


આ ઉપરાંત ફલ્લા ખાતે મહાશિવરાત્રીનાં દિવસે તપેશ્ર્વર મહાદેવનાં મંદિરે  શોભાયાત્રા નીકળી હતી. આ દિવસે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો  હતોે જેમાં બીરજુ ઠાકર સહિતનાં કલાકારો ભાગ લીધો હતો. તપેશ્ર્વર મહાદેવનાં મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા અમરનાથ મંદિરમાં વિવિધ પુજન, સંતવાણી, મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જયારે શહેરમાં આવેલ હાટકેશ્ર્વર મંદિરમાં મહાશિવરાત્રીનો કાર્યક્રમ જેમાં નૂતન ઘ્વજારોહણ, પાઠાત્મક લઘુ‚દ્ર અને સાંજે ૬ વાગ્યે ફરાળ થાળનાં દર્શન યોજાયા છે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ૩૧ યજમાન દ્વારા રૂદ્રિ પાઠનું આયોજન કરાયુ હતુ. જેમાં શિવ વિવાહનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 


જામજોધપુરનાં રોકડીયા હનુમાન મંદિર ખાતે રવિવારે સવારે ૭ વાગ્યે રૂદ્રાભિષેક, ૮ થી ૮.૩૦ મઘ્યાહન આરતી, ભાંગ અને પ્રસાદ વિતરણ, શિવશણગાર દર્શન અને ઓમ નમ: શિવાયની ધુનનો પાઠ રામેશ્ર્વર મંદિર જામજોધપુર ખાતે યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશન દ્વારા વીજરખી પાસે આવેલા હરેશ્ર્વર મહાદેવના મંદિરમાં સંસ્થાના ધરોહર રાજનભાઇ જાની અને ટ્રસ્ટી પરેશભાઇ નંદાના હેઠળ સવારે ૭ વાગે હોમાત્મક યજ્ઞનો પ્રારંભ થયો હતોે, ૧ વાગે બીડુ હોમાયુ હતું., ૧.૩૦ વાગે મહાપ્રસાદ, ૬ વાગે નૂતનઘ્વજારોહણ, ૭ વાગે મહાઆરતી ઉપરાંત રાત્રે ૯ થી ચારેય પ્રહરમાં ભાંગ, પંચામૃત, દુધ, શેરડીનો રસ, નાળિયેર પાણી, તલ, ચોખા, ચંદન અને રૂદ્રાભિષેકનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક શિવભકતો જોડાયા હતા. 


આ ઉપરાંત  કુલ પાંચ સ્થળો જામનગર, ખંભાળીયા, કાલાવડ, ધ્રોલ અને ફલ્લામાં શિવશોભા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રીનાં પર્વ નિમિતે જામનગરનાં સિદ્ધનાથ, ભીડભંજન, કાશિવિશ્ર્વનાથ, પ્રતાપેશ્ર્વર, રામેશ્ર્વર, નાગેશ્ર્વર, હરેશ્ર્વર, વૈજનાથ, જડેશ્ર્વર, નર્મદેશ્ર્વર, બેડેશ્ર્વર તેમજ ધ્રોલનાં સોયલેશ્ર્વર ખીમરાણાના ભવનાથ અને ખીમેશ્ર્વર, કાલાવડનાં કંકેશ્ર્વર, પીપળેશ્ર્વર, કુંભનાથ બાદનપરનાં કનકેશ્ર્વર અને નાના વડાળા પાસેના પ્રગટેશ્ર્વર મહાદેવનાં મંદિરમાં શિવરાત્રીની અનોખી ઉજવણી થશે. સહિતનાં શિવમંદિરોમાં વિશિષ્ટ શણગાર યોજાયા છે. આમ આવતીકાલે જામનગર સહિત સમગ્ર હાલારમાં બમ બમ ભોલેના નાથ સાથે શિવરાત્રીના પર્વની હરખભેર ઉજવણી કરાઇ હતી.


હાલારનાં શિવ મંદિરોમાં ભગવાન શિવનો જયજયકાર

રવિવારે મહાશિવરાત્રીનાં પવિત્ર દિવસે જામનગર, કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા અને ફલ્લામાં વિશાળ શિવશોભા યાત્રા નીકળી હતી. શિવભકતોએ ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. સવારે ૪ વાગ્યાથી હાલારનાં શિવ મંદિરોમાં શિવ શિવનો નાદ સંભળાયો હતો. કેટલાક મંદિરોમાં રવિવારે રાત્રે ૮ વાગ્યાથી આજે એટલે કે સોમવારે સવારે ૭ વાગ્યા સુધી ૪ પ્રહરની પુજા યોજાઇ હતી.


તપોવન ફાઉન્ડેશનનાં વિજરખી પાસેનાં હરેશ્ર્વર મહાદેવના મંદિરમાં આખી રાત્રી યોજાયેલી ચાર પ્રહરની પુજામાં અનેક શિવભકતો જોડાયા હતા. કયાંક શિવ દર્શન, મહાઆરતી, દીપમાળા, મહાપ્રસાદ લઘુરૂદ્ર યજ્ઞ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભકતો શિવમય બની ગયા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application