BREAKING NEWS

જામનગર : કાલે હાલારમાં મહાશિવરાત્રીની ભકિત ભાવભેર થશે ઉજવણી

  • February 14, 2026 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે મહાશિવરાત્રીનાં પર્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જામનગર, ખંભાળીયા, ધ્રોલ અને કાલાવડમાં વિશાળ શિવશોભા યાત્રા નીકળશે. બાર જયોતિર્લિંગ સમા દ્વારકાનાં નાગેશ્ર્વરમાં સમગ્ર ગુજરાતમાંથી શિવભકતો દર્શનાર્થે આવશે. ઠેર ઠેર ભકિતસમા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મહાઆરતી, દીપમાળા, મહાપ્રસાદ, સંતવાણી, સોમેશ્ર્વર પુજા, શિવવંદના સહિતનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલારનાં ગામડાઓમાં પણ શિવરાત્રીની ઉજવણી કરવા માટે ભકતો અધીરા બન્યા છે. ત્યારે કાલે હાલાર શિવમય બની રહેશે. 



નાગેશ્ર્વરની વાત લઇએ તો દ્વારકાનાં નાગેશ્ર્વર મંદિરમાં આવતીકાલે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. સવારે ૫ વાગ્યે આરતી, ત્યારબાદ શ્રૃંગાર દર્શન, ઉપરાંત નિરાજન મહાઆરતી રાત્રે ૮ વાગ્યે યોજવામાં આવશે. આ મંદિરમાં ૪ પ્રહરની પુજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઇચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. નાગેશ્ર્વર મંદિરમાં પ્રથમ પ્રહરમાં ૯ થી ૧૧, દ્વિતિય પ્રહરમાં ૧૧થી ૧, તૃતીય પ્રહરમાં  ૧ થી ૩, ચતુર્થ પ્રહરમાં સવારે ૩ થી ૫ સુધી વિશેષ પુજા કરવામાં આવશે. ભડકેશ્ર્વર મહાદેવનાં મંદિરમાં પણ મહાશિવરાત્રીની સવારનાં ૪ વાગ્યાથી ઉજવણી થશે. શિવને દુગ્ધાભિષેક, જળાભિષેક, પવિત્ર તીર્થજળ અર્પણ કરીને પુજા અર્ચન કરાશે. અને ઢોલ નગારા સાથે શિવનો જયઘોષ તેમજ સાંજે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 


જામનગરની વાત લઇએ તો રવિવારે સિદ્ધનાથ મંદિરેથી હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે વિશાળ શોભાયાત્રા નીકળશે. જે રાત્રીનાં ૧૨ વાગ્યે ભીડભંજન મંદિર ખાતે પહોંચશે. ૪૫મી આ શિવશોભાયાત્રામાં ભગવાન શિવજીની ૬ ફૂટની કદની રજતજડિત છડી મુકવામાં આવશે. માર્ગમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી અને રાત્રે ૧૨ વાગ્યે ભીડભંજન મંદિર ખાતે પહોંચશે.


ખંભાળીયામાં શિવરાત્રી નિમિતે શિવવર્ણાંગીનું શહેરમાં ભ્રમણ થશે. ભૂદેવો ઉઘાડા પગે તેમાં જોડાશે. ૧૫૦ વર્ષથી આ પ્રકારે શિવવર્ણાંગી નીકળે છે. શિવરાત્રીનાં રોજ ખામનાથ મહાદેવનાં મંદિર ટ્રસ્ટ, બજરંગ દળ, વિશ્ર્વહિન્દુ પરિષદ તથા અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. ૨૦૦ કિલો વજનની શુદ્ધ ચાંદીની બનેલી શંકર પાર્વતી અને ગણેશજીની મુર્તિઓને ચાંદીની પાલખીમાં ચાંદીના ઘ્વજદંડ સાથે બેસાડવામાં આવશે. ભૂદેવોએ ધોતી અને પીતાંબરી પહેરી જોડાવવાનું રહેશે અને ખાસ કરીને ઉઘાડા પગે આ યાત્રામાં  ભુદેવો જોડાશે. 


દ્વારકામાં દરિયામાં કાંઠે આવેલ ભડકેશ્ર્વર મંદિરે પણ શિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. દુગ્ધાભિષેક, જળાભિષેક અને પવિત્ર તીર્થ જળ અર્પણ કરાશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોડપરમાં પણ મેલડીમાતાનાં મંદિર પાસે આવેલા કલ્યાણધામ આશ્રમમાં  શિવશોભાયાત્રા નીકળશે. બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જામનગરનાં સિદ્ધનાથ, ભીડભંજન, કાશીવિશ્ર્વનાથ, નાગેશ્ર્વર, ભુતનાથ, સુખનાથ, તારકેશ્ર્વર, હંસેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, બેડેશ્ર્વર, જડેશ્ર્વર, રામેશ્ર્વર, સોમનાથ, કામનાથ, નીલકંઠ, બદરીકેદારનાથ, કુબેરભંડારી, કાલેશ્ર્વર, વૈજનાથ, ગૌરીશંકર, હાટકેશ્ર્વર, હજારેશ્ર્વર, દક્ષિણમુખાય મહાદેવ, દુ:ખભંજન મહાદેવ સહિતનાં મંદિરોમાં શિવપુજા થશે. 


જામજોધપુરનાં રોકડીયા હનુમાન મંદિર ખાતે રવિવારે સવારે ૭ વાગ્યે રૂદ્રાભિષેક, ૮ થી ૮.૩૦ મઘ્યાહન આરતી, ભાંગ અને પ્રસાદ વિતરણ, શિવશણગાર દર્શન અને ઓમ નમ: શિવાયની ધુનનો પાઠ રામેશ્ર્વર મંદિર જામજોધપુર ખાતે યોજાશે. તપોવન ફાઉન્ડેશન દ્વારા વીજરખી પાસે આવેલા હરેશ્ર્વર મહાદેવના મંદિરમાં સવારે ૭ વાગે હોમાત્મક યજ્ઞનો પ્રારંભ થશે, ૧ વાગે બીડુ હોમાશે, ૧.૩૦ વાગે મહાપ્રસાદ, ૬ વાગે નૂતનઘ્વજારોહણ, ૭ વાગે મહાઆરતી ઉપરાંત રાત્રે ૯ થી ચારેય પ્રહરમાં ભાંગ, પંચામૃત, દુધ, શેરડીનો રસ, નાળિયેર પાણી, તલ, ચોખા, ચંદન અને રૂદ્રાભિષેકનો કાર્યક્રમ કરવામાં આવશે. 


આ ઉપરાંત ફલ્લા ખાતે મહાશિવરાત્રીનાં દિવસે તપેશ્ર્વર મહાદેવનાં મંદિરે  શોભાયાત્રા નીકળશે આ દિવસે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં બીરજુ ઠાકર સહિતનાં કલાકારો ભાગ લેશે. તપેશ્ર્વર મહાદેવનાં મંદિરને શણગાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા અમરનાથ મંદિરમાં વિવિધ પુજન, સંતવાણી, મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો છે. જયારે શહેરમાં આવેલ હાટકેશ્ર્વર મંદિરમાં મહાશિવરાત્રીનો કાર્યક્રમ જેમાં નૂતન ઘ્વજારોહણ, પાઠાત્મક લઘુરૂદ્ર અને સાંજે ૬ વાગ્યે ફરાળ થાળનાં દર્શન યોજાયા છે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ૩૧ યજમાન દ્વારા રૂદ્રિ પાઠનું આયોજન કરાયુ છે જેમાં શિવ વિવાહનો કાર્યક્રમ પણ યોજાયો છે. 

​​​​​​​


આ ઉપરાંત  કુલ પાંચ સ્થળો જામનગર, ખંભાળીયા, કાલાવડ, ધ્રોલ અને ફલ્લામાં શિવશોભા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીનાં પર્વ નિમિતે જામનગરનાં સિદ્ધનાથ, ભીડભંજન, કાશિવિશ્ર્વનાથ, પ્રતાપેશ્ર્વર, રામેશ્ર્વર, નાગેશ્ર્વર, હરેશ્ર્વર, વૈજનાથ, જડેશ્ર્વર, નર્મદેશ્ર્વર, બેડેશ્ર્વર તેમજ ધ્રોલનાં સોયલેશ્ર્વર ખીમરાણાના ભવનાથ અને ખીમેશ્ર્વર, કાલાવડનાં કંકેશ્ર્વર, પીપળેશ્ર્વર, કુંભનાથ બાદનપરનાં કનકેશ્ર્વર અને નાના વડાળા પાસેના પ્રગટેશ્ર્વર મહાદેવનાં મંદિરમાં શિવરાત્રીની અનોખી ઉજવણી થશે. સહિતનાં શિવમંદિરોમાં વિશિષ્ટ શણગાર યોજાયા છે. આમ આવતીકાલે જામનગર સહિત સમગ્ર હાલારમાં બમ બમ ભોલેના નાથ સાથે શિવરાત્રીના પર્વની હરખભેર ઉજવણી કરાશે. 


મહાદેવ મિત્ર મંડળના પાલખી સમિતિના સભ્યો માટે ખાસ પહેરવશે તૈયાર કરાયો

જામનગર શહેરમાં પ્રતિવર્ષ યોજાતી શિવ શોભાયાત્રા આ વખતે ૪૫ વર્ષમાં પ્રવેશી છે, ત્યારે મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પાલખી સમિતિના સભ્યો માટેના નવા વસ્ત્રો પરિધાન કરાવવા માટેની વ્યવસ્થા કરાવાઈ છે.

 મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ  તથા અન્ય સભ્યોની ટીમ દ્વારા પાલખી સમિતિ માટે ભગવાન શિવજીની પ્રતિકૃતિ ચિત્રણ કરેલા, તેમજ શંખ, ડમરૂ, ત્રિભુજ, ત્રિશુલ સહિતની આકૃતિ દોરેલા સુંદર અને આકર્ષક ઝભ્ભા તૈયાર કરાવાયા છે, અને ૮૦થી વધુ ની પાલખી સમિતિના સભ્યો દ્વારા સિદ્ધનાથ મહાદેવના મંદિરે થી ખુલ્લા પગે ચાલીને ખભે પાલખી ઊંચકીને ભગવાન શિવજીને નગર ભ્રમણ કરાવીને રાત્રિના સમયે ભીડભંજન મહાદેવના મંદિરે પહોંચશે. જ્યાં શોભા યાત્રાને વીરામ અપાશે.


શિવ શોભાયાત્રામાં સંકલન સમિતિના સભ્યોને ડિજીટલ ઓળખપત્ર અપાયા

જામનગર શહેરમાં આવતીકાલે મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું આયોજન કરાયું છે, ત્યારે શોભાયાત્રાનું સુચારુ સંચાલન કરવા માટેની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.

 ૪૫ થી વધુ સંકલન સમિતિના સભ્યો, કે જેઓ સફેદ વસ્ત્રોમાં સજજ થઈને શોભાયાત્રાના સંચાલન માટે પ્રારંભથી અંત સુધી જોડાશે. જેઓને આ વખતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ડિઝીટલ પ્રકારના ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. કયુ આર કોડ સાથેના ઓળખ પત્ર, જેમાં મહાદેવ હર અંકિત કરેલી કેસરી કલરની પટ્ટી લગાવેલી છે, અને કયુ આર કોડના માધ્યમથી ઓળખ પત્રની શોધખોળ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

 ઉપરાંત મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ અને તેના મોબાઈલ નંબર ઉપરાંત અન્ય વિગતો પણ તેમાં જોડી દીધી છે. જેથી કયુ આર કોડના માધ્યમથી સંપૂર્ણ ઓળખ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.


હાલારમાં પાંચ સ્થળોએ ભગવાન શિવની વિશાળ શોભાયાત્રા નીકળશે: ભકતોમાં ઉત્સાહ

જામનગરમાં મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આવતીકાલે બપોરે ૩ વાગ્યે સિદ્ધનાથ મંદિરેથી શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત ધ્રોલમાં પણ શિવશોભાયાત્રાનું આયોજન કરાયુ છે. કાલાવડમાં દર વખતની જેમ વિશાળ શોભાયાત્રા નીકળશે જયારે ખંભાળીયામાં શિવર્ણાંગી નીકળશે અને ભૂદેવો ઉઘાડા પગે તેમાં જોડાશે. ૧૫૦ વર્ષથી વધુ સમયથી આ શોભાયાત્રા નીકળશે. ફલ્લામાં તપેશ્ર્વર મહાદેવ મંદિરેથી વિશાળ શોભાયાત્રા નીકળશે. 


બાર જયોતિર્લિંગ એવા નાગેશ્ર્વર મંદિરમાં ભકતોની ભારે ભીડ થશે

દ્વારકાનુ નાગેશ્ર્વર મંદિર બાર જયોતિર્લિંગમાંનુ એક ગણાય છે આજ સવારથી જ ભારતભરમાંથી શિવભકતો દર્શન કરવા માટે ઉમટી પડયા છે. ત્યાં વિવિધ પ્રહરની પુજા પણ થશે. શિવવંદના, મહાઆરતી, નૂતન ઘ્વજારોહણ સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 


મહાશિવરાત્રી નિમિતે વિવિધ પુજન, મહાઆરતી, અને મહાપ્રસાદનાં કાર્યક્રમો 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવપુજન, ચાર પ્રહરની પુજા, મહાપુજા, વિશિષ્ટ શ્રૃંગાર, મહાઆરતી, દીપમાળા, શિવવંદના, મહાપ્રસાદ, સંતવાણી, નૂતન ઘ્વજારોહણ, બીલ્વપત્ર પુજા, પાર્શ્ર્વપુજા, સોમેશ્ર્વર પુજા, ચાર પ્રહરની પુજા, પાથેશ્ર્વર પુજા, સંઘ્યા શણગાર, લઘુરૂદ્ર યજ્ઞ, દુગ્ધાભિષેક, જયોતિપુજન, અને પાલખીયાત્રા સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application