બગદાણામાં નવનીત બાલધિયા નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે હુમલો કરવ્યાનો નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો હતો. જેને લઈને રાજ્ય સરકારે SITની રચના કરી હતી. જેમાં જયરાજ આહીરની આ કેસમાં સંડોવણી ખુલતા તેની ધરપકડ કરાઈ હતી. બાદમાં ગઈકાલે મહુવા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી નામંજૂર કરતા તેને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જયરાજ આહિરને 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ભાવનગર જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. જ્યારે મહુવા કોર્ટમાં રજૂ થતાં જ ઢીલો પડ્યો હતો અને ભાવનગર જેલ અંદર જતાં હસ્યો હતો.
પ્રાથમિક સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2021થી માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર તળાજા તાલુકાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી
27 દિવસથી ચાલી રહેલા તપાસના ધમધમાટ વચ્ચે SITએ સ્થાનિક પોલીસની પણ પોલ ખોલી નાખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ગઈકાલે રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને સતત બે કલાક પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને સત્યના વિજયના નારા લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, SIT દ્વારા આ કેસમાં જયરાજ આહીરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
5 જાન્યુઆરી 2026ના રોજ SITની રચના કરાઈ
29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયાને માર મારવા મામલે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ચકચારી કેસમાં 5 જાન્યુઆરી 2026ના રોજ SITની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા 20 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુન:રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછના અંતે SITને વધુ આરોપીની સંડોવણી હોવાના પુરાવાઓ મળ્યા હતા. જે બાદ SITએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
કાના ભીખાભાઈ કામળીયા
સંજય બેચરભાઈ ચાવડા
દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી
શું છે સમગ્ર મામલો?
આ કેસની વિગત એવી છે કે, બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ એક જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.