રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 48 કર્મચારીઓની બદલી
રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 48 કર્મચારીઓની બદલી
November 13, 2026 08:59 PM
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 13 નવેમ્બરના રોજ વહીવટી સરળતા અને પારદર્શિતાના ભાગરૂપે એકસાથે વધુ 48 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓ એક જ સ્થળે 3 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય તેવા 250 થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી ચૂકી છે. આ અગાઉ ગત 24 સપ્ટેમ્બરના રોજ પણ 22 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઈ હતી.
કઈ શાખાઓમાં થઈ બદલી? રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કરેલા આ બદલીના હુકમમાં ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક શાખા, હેડ ક્વાર્ટર તેમજ શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓને અન્ય પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, ક્રાઇમ બ્રાન્ચ તથા હેડ ક્વાર્ટર ખાતે નિમણૂક આપવામાં આવી છે.
પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ રાજકોટ પોલીસ તંત્રમાં છેલ્લા 4 મહિનામાં 250 થી વધુ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જોકે, આ બદલીઓ વચ્ચે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તે પૈકી કેટલાક માનીતા પોલીસ કર્મચારીઓને હજુ સુધી તેમની મૂળ જગ્યાએથી છૂટા કરવામાં આવ્યા નથી, જ્યારે કેટલાક કર્મચારીઓને તેમની માંગણી મુજબ ફરીથી અન્ય મનપસંદ જગ્યાએ બદલી કરી આપવામાં આવી છે.