ગુજરાત રાજ્યના સાયબર ક્રાઈમ વિભાગે ૧૯૦ કરોડ રૂપિયાથી વધુની વિશાળ સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. સ્ટેટ સાયબર ક્રાઈમ ટીમે ગુનાની વિગતવાર તપાસ બાદ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં ઠગાઈથી મળેલા નાણાં ટ્રાન્સફર કરાવતું હતું અને પછી તે રકમ ક્રિપ્ટોકરન્સી અને આંગડિયા મારફતે દુબઈ સુધી મોકલાતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી અને સાવરકુંડલા વિસ્તારોના કેટલાક શંકાસ્પદ એકાઉન્ટ્સ તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યા હતા. પોલીસે આ એકાઉન્ટધારકોની પૂછપરછ કર્યા બાદ ઠગાઈનું વિશાળ નેટવર્ક બહાર પાડ્યું હતું. અત્યારસુધી ૩૮૬ અલગ અલગ ગુના આ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે અને કુલ ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે.
આ ગેંગ બેંકોમાં ‘મ્યુલ એકાઉન્ટ’ બનાવીને કામ કરતી
સાયબર ક્રાઈમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ગેંગ લોકો સાથે ‘પાર્ટ ટાઈમ જોબ’, ‘ઈન્વેસ્ટમેન્ટ’ અને ‘ઝડપી કમાણી’ના બહાને ઠગાઈ કરતી હતી. તેઓ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ મારફતે લોકોનો વિશ્વાસ જીતતા અને પછી નકલી લિંક્સ કે એપ્લિકેશન મારફતે ટ્રાન્ઝેક્શન કરાવતા હતા. એક વાર નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર થતા, તે તરત ક્રિપ્ટોકરન્સી અથવા રોકડ સ્વરૂપે આંગડિયા મારફતે વિદેશ મોકલી દેતા. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ બેંકોમાં ‘મ્યુલ એકાઉન્ટ’ બનાવીને કામ કરતી હતી. કેટલાક કિસ્સામાં તેઓએ એપીએમસીની પેઢી કે એનજીઓના નામે ખોટા દસ્તાવેજો સાથે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
ડિજિટલ ડિવાઇસીસ જપ્ત કરવામાં આવ્યા
એકાઉન્ટ ધારકોને શરૂઆતમાં થોડી કમિશન આપીને તેઓનો વિશ્વાસ જીતતા, પરંતુ એકવાર નાણાં ખાતામાં આવતાં જ ફ્રોડ ગેંગ રકમ ઉપાડી લેતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મુળ છેતરપિંડી કરનારા માસ્ટરમાઈન્ડો વિદેશમાં હોવાનું અનુમાન છે, અને તેમની શોધ માટે ઇન્ટરપોલ સહિતના માધ્યમો મારફતે સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. હાલ ધરપકડ કરાયેલા છ આરોપીઓ પાસેથી અનેક મોબાઈલ ફોન, લેપટોપ, બેંક પાસબુક અને ડિજિટલ ડિવાઇસીસ જપ્ત કરવામાં આવ્યા છે.
આઠ-દસ ખાતાઓના માધ્યમથી કરોડો રૂપિયા વિદેશ મોકલાયા
આ કાર્યવાહી અંગે વાત કરતા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એએસપી સંજય કેસવાલાએ જણાવ્યું કે, ગુજરાત સાયબર ક્રાઈમે છેલ્લા કેટલાક મહિનાથી બેંક ટ્રાન્ઝેક્શનની ચેનલ પર નજર રાખી હતી. અમને મોરબી અને સાવરકુંડલા વિસ્તારોમાં સંડોવાયેલા એકાઉન્ટ્સ અંગે માહિતી મળી હતી. તપાસ દરમિયાન આઠ-દસ ખાતાઓના માધ્યમથી કરોડો રૂપિયા વિદેશ મોકલાયા હોવાનું સામે આવ્યું. હાલ વધુ એકાઉન્ટ્સની પણ તપાસ ચાલુ છે.”
આ ગેંગથી વધુ આંતરરાષ્ટ્રીય નેટવર્ક જોડાયેલું હોઈ શકે
સાયબર ક્રાઈમ વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે પાર્ટ ટાઈમ જોબ, ઈન્વેસ્ટમેન્ટ કે ઓનલાઈન કમાણીના લાલચમાં આવી કોઈ અજાણ્યા લિંક કે એપ્લિકેશન પર ક્લિક ન કરે. રાજ્યમાં ઝડપાયેલા આ ગેંગથી વધુ આંતરરાષ્ટ્રીય નેટવર્ક જોડાયેલું હોઈ શકે છે, જેને માટે તપાસ ચાલુ છે.