ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં એકસાથે ૮૮૦ કર્મચારીઓ અને અધિકારીઓની બઢતી (Promotion) તથા બદલી (Transfer) ના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ૮૦૦ જેટલા વર્ગ-૩ ના કર્મચારીઓને પ્રમોશન આપીને તેમને નવી ઊંચાઈએ પહોંચાડવામાં આવ્યા છે.
વર્ષોની પ્રતીક્ષાનો આવ્યો સુખદ અંત આ ઓર્ડર સાથે જ મહેસૂલ વિભાગના પાયાના કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મહેસૂલી તલાટી અને કારકૂન (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ૮૦૦ કર્મચારીઓને બઢતી આપીને હવે 'નાયબ મામલતદાર' જેવી જવાબદાર પોસ્ટ પર નિયુક્તિ આપવામાં આવી છે. વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે ૮૦ નાયબ મામલતદારોની પણ અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.