BREAKING NEWS

જામનગર સહિત હાલારભરમાં કાલે ઉજવાશે મકરસંક્રાતિનું પર્વ

  • January 13, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છોટીકાશીના ઉપનામથી પરિચિત એવા જામનગર શહેરમાં પ્રત્યેક ઉત્સવોની પણ ભારે ધામધૂમથી ઉજવણી થાય છે, ત્યારે આવતીકાલે જામનગરમાં ઉતરાયણ પર્વે દાન-પૂણ્ય સાથે છેલ્લા વર્ષોમાં પતંગ ચગાવવાનો ક્રેઝ પણ ખાસ્સો વિસ્તરી રહયો છે, ત્યારે આવતીકાલે મકર સંક્રાતિ પર્વને અનુલક્ષીને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પણ પતંગ-દોરાના વેચાણ કેન્દ્ર ઊભા થઈ ગયા છે, શહેરમાં સિઝન સ્ટોર ચલાવતા કેટલાક વિક્રેતાઓ દ્વારા પતંગ વેચાણ શરૂ કરાયું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હંગામી સ્ટોલ ઊભા કરીને પણ મોટાપાયે પતંગ દોરાનું વેચાણ થઈ રહ્યું છે જ્યાં લોકો પણ ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જેમાં બાળકોની વિશેષ હાજરી રહી છે.



જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં સાનુકૂળ પવન હોવાથી લોકોને પતંગ ઉડાવવામાં સરળતા રહેશે અને નગરનું આકાશ આવતીકાલે પતંગોની રંગોળી થી સજ થયેલું જોવા મળશે, તેવો થનગનાટ પતંગ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. જુના જામનગરના મુખ્ય વિસ્તારો સાથે પોશ વિસ્તારોના પણ એપાર્ટમેન્ટની અગાસી અને ધાબાઓ પર સવારથી જ લોકો ડીજેના તાલે ગીત સંગીત સાથે ખાણી પીણીની જયાફત ઉડાવશે. જે સાથે પતંગ શોખીનોનો કાપ્યો છે... નાદ પણ ગુંજી ઉઠશે.



જામનગર શહેરમાં શનિવારથી બુધવાર સુધી પવનની દિશા ઉતર-ઈશાન અને ગતિ સરેરાશ ૧૫ થી ૨૫ કિ.મિ. રહેવાની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વાર દર્શાવાઈ હતી.જેમાં ૧૪મી જાન્યુઆરીના રોજ પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૧૦ થી ૧૫ કિ.મિ. સુધી રહેવાની સંભાવના પણ વ્યકત કરાઈ છે. ત્યારે સંભવત આગાહી અનુસાર પવનનુ નોંધપાત્ર જોર રહેશે તો પતંગ શોખીનો પણ ગેલમાં રહેશે.

​​​​​​​


 શિયાળાની ઋતુ અને દાનપુનના પર્વની સાથે સાથે  જીંજરા, બોર, ચિકકી ખજુર વગેરેની ખરીદી માટે પણ કેટલાક વેચાણ કેન્દ્ર બે દિવસથી શરૂ થઈ ગયા છે, જ્યાં પણ લોકોની ખરીદી પુરજોશમાં શરૂ થઈ છે. છોટીકાશી જામનગર સહિત હાલારભરમાં મકર સંક્રાતિ પર્વની પ્રતિવર્ષ ધર્મમય ઉજવણીની પરંપરા પણ જળવાયેલી રહે છે અને મંદિરોને દ્વારે કેટલાક નગરજનો દાન પુન પણ કરતા જોવા મળશે, સાથો સાથ ગૌ માતાને ઘાસચારો અને પાંજરાપોળમાં ગૌદાનની પ્રક્રિયાઓ પણ હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application