BREAKING NEWS

જામનગર : શહેરમાં પરમ દિ’ મકરસંક્રાતિનું પર્વ ઉજવાશે: આકાશમાં પતંગો ચગશે

  • January 12, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર સહિત સમગ્ર હાલારમાં પરમ દિ’ તા.૧૪ના રોજ મકરસંક્રાતિનું પર્વ હરખભેર ઉજવાશે, પવન સારો રહેવાની શકયતા છે તેથી પતંગ રસીકોને ભારે મોજ પડી જશે, ઠેક-ઠેકાણે ગરમાગરમ ઉંધીયુ અને અન્ય ચીજવસ્તુનું વેંચાણ થશે અને તે માટે અત્યારથી જ બુકીંગ શરૂ થઇ ગયું છે, સુર્યદેવ ધન રાશીમાંથી નિકળીને તેમના પુત્ર શનિની રાશી મકરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાતિ કહેવામાં આવે છે, આ દિવસથી સુર્ય ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે અને તેને ઉતરાયણ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે કરવામાં આવતાં વિવિધ શાસ્ત્રોકત ઉપાયો ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે, ગયા વખત કરતા અવનવી પતંગ, દોરામાં ૨૦ થી ૨૫ ટકા ભાવ વધારો થયો છે, જો કે એક-બે દિવસથી જ ખરીદી નિકળી છે, શેરડી, ચિકી, અડદીયા, ચણા, બોર સહિતની વસ્તુઓમાં પણ કામચલાઉ ભાવ વધારો થઇ ગયો છે. 


મકરસંક્રાતિના પવિત્ર દિવસનો મહીમા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ જ છે, જો કે હવે જામનગર શહેરમાં પણ અવનવા પતંગો ઉડે છે, આ વખતે પતંગ સારો હશે તેવી હવામાન ખાતાએ આગાહી પણ કરી છે, જામનગરમાં જાહેર ક્ષેત્રે પશુઓને ઘાસચારો અને નિરણ નાખવાની મનાઇ છે, પરંતુ પાંજરાપોળ અને મહાપાલીકા સંચાલીત ઢોરવાડામાં લોકો દાન-પુણ્ય કરી શકશે એટલું જ નહીં મહાપાલીકામાં ઓનલાઇન પૈસા પણ જમાવી કરી શકશે. આ દિવસે સુર્ય ઉપાસના, ગાયત્રી મંત્ર જાપ, નવગ્રહ શાંતિ, ઉમરાનું પુજન, તોરણ લટકાવું, તલ અને ગોળનું દાન કરવું, ગરીબોને વસ્ત્રદાન અને ખીચડીનું દાન કરવું, રેવડી અને ગજક ગાયોને ખવડાવી અને મંદિરમાં ચોખા ધરવા આ બધુ દાન કરવાથી લોકોને પુણ્ય મળે છે, ખાસ કરીને ગરીબોને કાળા કે વાદળી રંગના ધાબળા દાન કરવાથી રાહુ અને શનિની શાંતિ થાય છે, શાસ્ત્રોકત વિધી પ્રમાણે મસુરીની દાળ, સફેદ વસ્ત્રો, ચોખા, લીલા મગ, સાંકળ, દુધ, ચાંદી, સફેદ તલ, રેશમી વસ્ત્ર, લાલ કાપડ, હળદર, ચણાની દાળ, કાળા અડદ, તેલ, લોખંડ અને પીળા ફળનું રાશીવાઇસ દાન કરવાથી ફાયદો થાય છે. 


જામનગરની બજારોમાં ખાસ કરીને ખજુરનું પણ મહત્વ છે, રૂ.૮૦ થી લઇને ૪૦૦ ખજુરનો ભાવ હોય છે અને લોકો આ દિવસે ખજુર લેવા પડાપાડી કરતા હોય છે, છેલ્લા બે-ત્રણ દિવસથી મમરા, તલના લાડવા, શેરડી, જીંજરાના ભાવમાં વધારો થયો છે, હવે તો લોકો મીઠાઇ પણ આપતા હોય છે, ખાસ કરીને જામનગરમાં હજુ પણ ઉંધીયાનું મહત્વ છે ત્યારે રૂ.૧૬૦ થી લઇને ૩૦૦ સુધીનું કીલો ઉંધીયુ મળતું હોય છે તેનું બુકીંગ પણ બે દિવસથી શરૂ થઇ ગયું છે. 


જામનગરમાં આ વખતે કાર્ટુનવાળી પતંગો, મોદીની પતંગો સહિતની અન્ય રંગબેરંગી પતંગોનું વેંચાણ થઇ રહ્યું છે, જો કે હજુ પતંગમાં જોઇએ તેવી તેજી આવી નથી, પરંતુ રંગબેરંગી પતંગો જામનગરમાં આવી ગઇ છે, એટલું જ નહીં છાનાખુણે પ્રતિબંધીત ચાઇનીઝ દોર અને પતંગોનું વેંચાણ થઇ રહ્યું છે, તુકકલ ઉપર પણ પ્રતિબંધ છે છતાં પણ જામનગરના કેટલાક વિસ્તારોમાં સરેઆમ તુકકલ વેંચવામાં આવે છે. 


મકરસંક્રાંતિના દિવસે મંદિરોમાં પણ વિશિષ્ટ પુજા, આરતી થાય છે અને મંદિરની બહાર ગરીબોને દાન કરે છે, અમુક ચોકકસ વાર, નક્ષત્ર, યોગ જેવી વિગતોના આધારે દેશકાળનું ખેતીવાડી, બાગાયત અને ગંજ બજાર તથા વેદનીય ભવિષ્ય કથન જોવા મળે છે, જામનગરમાં દોરાથી બાઇક ચાલકોને નુકશાન ન થાય તે માટે સ્કુટર ઉપર વિનામૂલ્યે વાયર ફીટ કરવાની પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, ખરેખર તો મકરસંક્રાતિના દિવસે સુર્યનારાયણના મંત્રની સાથે રાશીના સ્વામીના મંત્રની માળા કરવાથી ખુબ જ ફાયદો થાય છે. 


દ્વારકાના શિવરાજપૂરમાં આવતીકાલે પતંગ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમાં દેશ-વિદેશના પતંગબાજો પતંગ લહેરાવશે અને એ માટે વહિવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જામનગરમાં ડીજેના નાદ સાથે અગાસી ઉપર લોકો પતંગ ઉડાડીને પુરી-ઉંધીયાની જયાફત ઉડાવશે, કેટલાક એપાર્ટમેન્ટ પરના લોકો દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જામનગરમાં છેલ્લા કેટલાક વર્ષથી ધીરે-ધીરે પતંગો ઉડી રહ્યા છે, જામનગરના ગામડાઓમાં પણ લોકો પશુઓને ઘાસચારા સહિતનું દાન પણ કરે છે. મકરસંક્રાંતિના પર્વનું ખુબ જ મહત્વ છે, જામનગરમાં કેટલાક સ્થળોએ તો બપોરના ૧૨ સુધીમાં ઉંધીયાનું વેંચાણ થઇ ગયું હોય છે, જો કે આજથી પતંગો અને અન્ય ચીજવસ્તુઓનું વેંચાણ શરૂ થશે અને ખરીદી પણ નિકળશે ત્યારે તા.૧૪નું પર્વ હાલારવાસીઓ માટે ખુબ જ મહત્વનું કહી શકાય. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application