BREAKING NEWS

રાજકોટ સિવિલમાં ડોક્ટર ઉપર હુમલો કરનાર ગુંડાતત્વને કાયદાનું ભાન કરાવો: તબીબો

  • December 30, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર વોર્ડમાં ઘુસી બેફામ મારપીટ કરી ધમકી આપનાર શખ્સ સામે તબીબ જ ફરિયાદી બનતા અંતે પોલીસે હુમલો કરનાર જયદીપ ચાવડા નામના શખ્સ સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી પકડી પાડવા પ્રદ્યુમનનગર પોલીસે અયોધ્યા ચોક ખાતે શખ્સના ઘરે તપાસ કરી હતી પરંતુ ફરાર થઇ જતા શોધખોળ હાથ ધરી છે. આ ગંભીર ઘટનાને પગલે ગઈકાલે સિવિલના તબીબો મોટી સંખ્યામાં મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે એકઠા થયા હતા અને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આવી ગુંડાગર્દી નહિ ચલાવી લેવાય કહી ભારે રોષ ઠાલવી આરોપીને કાયદાનું ભાન કરાવવા સહિતની માગ કરી સૂત્રોચાર કર્યા હતા.


ઘટનાથી વોર્ડમાં રહેલા દર્દીઓ સહિતના ભયભીત બન્યા હતા

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને માલવીયાનગર મેઈન રોડ પંચશીલ હોસ્પિટલ સામે રહેતા ડો.પાર્થ જયેશભાઇ પંડ્યા (ઉ.વ.28) ગત તા.28-12ના રાત્રીના પોતાની સરકારી ફરજ પર પીએમએસએસવાય બ્લોકના ત્રીજા માળે કાઉન્ટર પર દર્દીઓની ફાઈલ જોતા હતા ત્યારે સારવારમાં રહેલા વિનય થાપા નામના નેપાળી દર્દીના પરિચિત તરીકે આવેલા જયદીપ ચાવડા નામના શખસે વોર્ડમાં ઘુસી ડો.પાર્થને અભદ્ર ભાષામાં વર્તન કરી ગાળો આપતા તબીબે તેને ગાળો ન આપવા અને શિસ્તમાં વાત કરવાનું કહેતા જયદીપ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને ડેસ્કની અંદર આવી બેફામ મારપીટ કરવા લાગતા તબીબને ચક્કર આવી જતા ટેબલ પર પછાળી વાળ પકડીને બેફામ મારમાર્યો હતો. દેકારો થવાથી વોર્ડમાં દર્દીઓના સ્વજન, નર્સીંગ સ્ટાફ સિક્યોરિટી સહિતનાએ તબીબને વધુ મારમાંથી બચાવ્યો હતો. જતા જતા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાથી વોર્ડમાં રહેલા દર્દીઓ સહિતના ભયભીત બન્યા હતા.


બેફામ ગાળાગાળી કરી તબીબ ઉપર હુમલો કર્યો

હુમલો કરવા પાછળનું કારણ એવું હતું કે, તા.25ના મોટી ટાંકી ચોક પાસે અજાણ્યો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાથી 108 મારફતે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને હેડ ઇન્જરી હોવાથી ઓપરેશન કરવાની જરૂરી પડતા ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીને ભાનમાં આવ્યા બાદ પોતાનું નામ વિનય થાપા જણાવ્યું હતું. બાદમાં તેના પરિચિતો નેપાળી બધા આવી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને અગાઉ બે બોટલ લોહીની જરૂરિયાત ઉભી થતા હોસ્પિટલ દ્વારા બ્લડ આપવામાં આવ્યું હતું. આ પછી પણ વધુ એક બોટલ રક્તની જરૂરિયાત જણાતા તેમના સગાને બ્લડ બાબતે કહેવામાં આવતા આ પૈકી કોઈ સ્વજન જયદિપ ચાવડાને ઓળખતું હોવાથી તેને ફોન કર્યો હતો. આથી જયદીપ ચાવડા પહેલા પીએમએસએસવાય બ્લોકના પાંચમા માળે આવ્યો હતો અને ત્યાં ફરજ પર રહેલા ડો.પાર્થને બ્લડની ચીઠી લખી આપવા કહેવાયું હતું. જો કે ડો.પાર્થે પોતે ચિઠ્ઠી ન લખી શકે તેમ જણાવતા જયદીપ ચાવડા બોલાચાલી કરી તને મારીશ તેમ કહી ઇમર્જન્સી વિભાગમાં મેડિકલ ઓફિસર ડો.ધ્રુવા ઠક્કર પાસે ગયો હતો. મેડિકલ ઓફિસર ડો.ધ્રુવાએ ડો.પાર્થને ફોન કરી આ વ્યક્તિની સમસ્યાનું નિરાકરણ કરી આપ્યું છે તેમ જણાવ્યું હતું. એમ છતાં જયદીપ ચાવડા ત્રીજા ફ્લોર ઉપર આવી બેફામ ગાળાગાળી કરી તબીબ ઉપર હુમલો કર્યો હતો.


તબીબી આલમમાં ભારે આક્રોષ 

ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલના તબીબી આલમમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો અને ગઈકાલે જે તે વિભાગના વડાઓ, મેડિકલ ઓફિસર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ યુનિયન સહિતના મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઘટનાને ગંભીર ગણાવી હતી અને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના ડોકટરો 365 દિવસ દિવસ અને રાત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એમ છતાં આવા ગુંડા તત્વો વોર્ડની અંદર ઘુસી ડોક્ટરને મારમારે એ ક્યારેય પણ સાંખી નહીં લેવાય, આ મામલે પોલીસ પ્રશાસન આવા ગુંડાઓને કાયદાનું ભાન કરાવે તેમ ગૃહ મંત્રીને સંબોધી જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application