રાજકોટ શહેરમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, પરંતુ યુનિવર્સિટી પોલીસની સમયસૂચક કામગીરીના કારણે મોટી ઘટના સહેજમાં ટળી છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પાસે મોડી રાત્રે 8 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી બાળકીનું અપહરણ કરી રૈયાધાર વિસ્તારમાંથી ગોંડલ રોડ તરફ લઈ જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ યુનિ. પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. આસપાસના CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી. સતત પેટ્રોલિંગ અને સતર્કતાના કારણે ગોંડલ રોડ પર પહોંચતા જ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
બાળકી સાથે બદઈરાદા માટે તેને લઈ જઈ રહ્યો હતો
પોલીસે અપહરણ કરનાર તરીકે ભરત મકવાણા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી બાળકી સાથે બદઈરાદા માટે તેને લઈ જઈ રહ્યો હતો અને બાળકી સાથે અડપલાં કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જો સમયસર આરોપી ન પકડાયો હોત તો બાળકી સાથે કોઈ ગંભીર ઘટના બની શકતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાળકીનું તાત્કાલિક મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું
પોલીસ દ્વારા બાળકીનું તાત્કાલિક મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે અને બાળકીની માનસિક અને શારીરિક સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ આરોપી બાળકીને લઈને ક્યાં જઈ રહ્યો હતો અને તેનો ઉદ્દેશ શું હતો તે અંગે પણ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
બાળકીનો જીવ અને ભવિષ્ય બચી ગયું
યુનિવર્સિટી પોલીસે આરોપી ભરત મકવાણા સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની મહત્વતા ફરી એકવાર ઉજાગર કરી છે, જ્યારે પોલીસની ઝડપી કામગીરીને કારણે એક નિર્દોષ બાળકીનો જીવ અને ભવિષ્ય બચી ગયું હોવાનું સ્થાનિકોમાં સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.