BREAKING NEWS

લગ્નના દિવસે જ ભાવિ પત્નીને રહેંસી નાખનાર વરરાજો ઝડપાયો, લોખંડના પાઈપથી ક્રૂરતાપૂર્વક પ્રેમિકાને પતાવી દીધી'તી, જાણો આખી ઘટના

  • November 17, 2025 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં લગ્નના દિવસે જ શેતાન બની વરરાજાએ પોતાની ભાવિ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. હત્યા બાદ વરરાજો ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગઈકાલે રાતે તેને ઝડપી લીધો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​મળતી માહિતી મુજબ, ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ યુગલના લગ્ન થવાના હતા તે દિવસે જ ભાવિ પતિ એવા પ્રેમી ‘સાજન’એ ભાવિ પત્ની ‘સોની’ની લોખંડના પાઈપ અને દીવાલ સાથે માથું અથડાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ઘટના બાદ હત્યારો સાજન ફરાર થઈ ગયો હતો. પોલીસે જૂદી-જુદી ટીમો બનાવી હેવાન સાજનને ગઈકાલે રાતે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આઠ મહિનાથી સાજન અને સોની વચ્ચે પ્રેમસંબંધ હતો

આ અંગે ગંગાજળિયા પોલીસ મથકે મૃતક યુવતી સોનીના ભાઈ વિપુલ હિંમતભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 22 વર્ષીય બહેન સોનીને છેલ્લા આઠ મહિનાથી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા સાથે પ્રેમસંબંધ હતો અને બંને લિવ-ઈનમાં રહેતા હતા. આ સંબંધને સ્વીકારી પરિવારે બન્નેના લગ્ન 15 નવેમ્બર, 2025ના રોજ નક્કી કર્યા હતા અને કંકોત્રી પણ છપાવી હતી.


સાજને સોનીને માર મારતા તે ભાગીને પોતાના ઘરે આવી

લગ્નની આગલી રાતે એટલે કે 14 નવેમ્બરની રાત્રે દસેક વાગ્યાના સુમારે, સાજને સોનીને માર મારતા તે ભાગીને પોતાના ઘરે આવી હતી. સાજનથી બચાવવા માટે પરિવારે સોનીને તેના નાનીમા શાંતાબેન બાંભણીયાના ઘરે કરચલીયાપરા, પોપટનગર મોકલી આપી હતી. ​રાતના બે વાગ્યે સાજન વિપુલભાઈના ઘરે આવ્યો હતો. તેણે વિપુલભાઈના નાના ભાઈ સુનીલ ઉર્ફે બાબુને છરી બતાવી ઢીકાપાટુનો માર માર્યો અને સોની ક્યાં છે તે પૂછ્યું. જ્યારે પિતા હિંમતભાઈ વચ્ચે પડ્યા, ત્યારે સાજને તેમને પણ ધોકા વડે પગે મુંઢ ઇજા પહોંચાડી હતી.


ભૂરાના ઘરમાં સોનીની લાશ પડી છે

ત્યારબાદ આરોપી સાજન પોપટનગર ખાતે નાનીમાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં બધાને ધમકાવી, બળજબરીપૂર્વક સોનીનું અપહરણ કરી તે તેને પોતાના ઘરે લઈ ગયો હતો. ​15 નવેમ્બરના સવારના નવેક વાગ્યાના અરસામાં, વિપુલભાઈના ભાઈ સુનીલે ઘરે આવીને જાણ કરી કે, સાજન ઉર્ફે ભૂરાના ઘરમાં સોનીની લાશ પડેલી છે. વિપુલભાઈ, તેમના માતા-પિતા સાથે ઘટનાસ્થળે પ્રભુદાસ તળાવ, શેરી નં.10 પહોંચ્યા, ત્યારે ઘરમાં સોનીની લાશ પડી હતી.


પાઈપ વડે જ ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ

અહીં ​જોવા મળ્યું હતું કે, સોનીને માથામાં ડાબી બાજુએ કાનથી ઉપરના ભાગે ગંભીર ઘા હતો, જેમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. આ ઉપરાંત, તેના મોઢા, આંખો, છાતી, વાંસા અને ગોઠણના ભાગે મુંઢ ઇજાઓ પણ હતી. સ્થળ પરથી લોહીવાળો લોખંડનો પાઈપ પણ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે, આ પાઈપ વડે જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો.


સાજન સોનીની હત્યા કરી ઘર ખુલ્લું મૂકી ભાગી ગયો

બાદમાં ​આરોપી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા સોનીની હત્યા કરી ઘર ખુલ્લું મૂકી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સોનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​પોલીસે આરોપી સાજન ઉર્ફે ભૂરા વિરુદ્ધ હત્યા, અપહરણ, ધમકી અને મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સાજન ઉર્ફે ભૂરાને ઝડપી કઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ સાજન પર અનેક ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તે એક હિસ્ટ્રીશીટર તરીકે પણ પંકાયેલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application