ધોરાજી પંથકના પાટણવાવ પાસેના ગામમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને ભગાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. બે માસ પહેલા ગામનો જ શખસ સગીરાને ભગાડી ગયો બાદ શાપરથી પકડાયો હતો. જે બાદ સગીરાને મુક્ત કરાવી અન્ય યુવક સાથે સગાઈ કરાવતાં આરોપી પરેશાન કરવા લાગતા અંતે ફરિયાદ નોંધાઈ હતી.
લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીના પાટણવાવ ટાઉનમાં રહેતી ૧૬ વર્ષની સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે વિજય સોલંકીનું નામ આપતાં પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, સગીર પુત્રીને બે માસ પહેલા ગામમાં જ રહેતો વિજય સોલંકી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ગયો હતો. જે બાદ બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં બંને શાપરથી પકડાઈ ગયા હતા. જે બાદ બંને એક જ સમાજના હોવાથી સમાજ લેવલે સમાધાન કરી લીધું હતું.
હું આપઘાત કરી લઈશ
બાદમાં સગીરાના પરિવારજનોએ તેણીની જુનાગઢ ખાતે અન્ય યુવક સાથે સગાઈ કરાવી નાખી હતી. જેથી આરોપી ઉશ્કેરાયો હતો અને અવારનવાર સગીરાના મંગેતરના ઘરે જઈ હું આપઘાત કરી લઈશ અને સ્યુસાઇડ નોટમાં તમારા બધાના નામ લખતો જઈશ તેવી ધમકી આપતા સગીરાની સગાઈ તૂટી ગઈ હતી. જેથી અંતે આરોપીના ત્રાસથી કંટાળી સગીરાના પરિવારજનો પોલીસ પાસે પહોંચતા પીઆઈ મયુર ચૌહાણ અને ટીમે તુરંત જ ગુનો નોંધી આરોપી વિજય સોલંકીને પકડી પાડી કાર્યવાહી કરી હતી.