ભાવનગરના પાલીતાણા પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે આવેલા શખ્સે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સ્ટેશનના ટોયલેટમાં જઈ આ શખ્સે અનાજમાં નાખવાના દવા પી ગયો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, પાલીતાણા પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે યોગેશભાઈ કરીને એક આધેડ આવ્યા હતા. જો કે, ટોયલેટમાં જઈ તેણે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. આથી તે પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યો હતો. આથી પોલીસ દ્વારા તેને સારવાર માટે પાલિતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્ચો હતો. જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, અહીં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ભાવનગર પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
યોગેશભાઈ દ્વારા અગાઉ શેત્રુંજય ડુંગર ઉપર આરતીમાં ઘીના ઘડાની બોલી લગાવેલ હોય જે બોલીમાં 11 લાખ જેટલી રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમાં કરાવવાની હતી. પરંતુ તે રકમ જમાં ન કરાવતા પેઢી દ્વારા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ સામે અરજી દાખલ કરી છે. જે અરજીના કામે યોગેશભાઈને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતાં.
પોલીસ સ્ટેશનની અંદર આપઘાતના બનાવથી પોલીસ દોડતી થઈ ગઈ છે. યોગેશભાઈએ આપઘાત કેમ કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે. પોલીસે યોગેશભાઈના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. તપાસ બાદ જ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળશે.