BREAKING NEWS

જામનગર નજીક સગીરા પર દુષ્કર્મ આચરનારને ૫ વર્ષની સખત કેદ

  • February 10, 2026 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ફોટા વાયરલ કરવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવનાર આરોપીને સ્પેશિયલ પોક્સો અદાલતે સજા ફટકારી છે જ્યારે ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.


આ કેસની વિગતો એવી છે કે, આરોપી પ્રફુલ કાંતીલાલ જાદવે એક પરિવારની સગીર વયની દીકરીને છેડતી કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા તેણીના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી આરોપીએ તેણીને ઘરે બોલાવી મરજી વિરુઘ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ કર્યા અંગે ફરીયાદી દ્વારા પંચ-એમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. 


જેના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૭૬ (૧), ૩૫૪(એ), (૧)(૨), વિગેરે તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૮ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


આ કેસની સુનાવણી જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં સરકાર પક્ષે ભોગ બનનાર પીડિતા, તેના વાલીઓ અને મેડિકલ ઓફિસરની જુબાની સહિત કુલ ૨૨ જેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા, જેણે આરોપીના ગુનાને સાબિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલએ ધારદાર દલીલ કરીને જણાવેલ કે આરોપી સામે સગીરાને ધમકી આપી દુષ્કર્મ અંગેનો ગુનો છે સમાજમાં દિન પ્રતિદિન આ પ્રકારના ગુનાનુ પ્રમાણ વધી રહેલ છે. સમાજમાં દાખલો બેસે તેવી સજા અને દંડ બાબતે રજુઆત કરી હતી.
​​​​​​​

તમામ દલીલો, સબળ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં રાખીને જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતના ન્યાયાધીશ આર. પી. મોગેરાએ આરોપી પ્રફુલ કાંતીલાલ જાદવને તકસીરવાન ઠેરવી ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, ઉપરાંત, આરોપીને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો તે દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે ચાર લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application