રાજકોટ શહેરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાણીતા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો-રૂમમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગત ૨૩ જાન્યુઆરીના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સોએ સ્ટાફની નજર ચુકવી ડિસ્પ્લેમાંથી ૨૭.૫૯ ગ્રામનો સોનાનો ચેઈન (કિંમત આશરે રૂ.૪,૭૨,૦૦૦) ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે તપાસ હાથ ધરતા આરોપી મહારાષ્ટ્રના પુણેમાં હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટ પોલીસની ટીમે પુણે પહોંચી સ્થાનિક પોલીસની મદદથી ધનરાજ વિજયભાઇ પરમાર (ઉં.વ. ૪૯)ને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી અગાઉ કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ છે.
પોલીસે આરોપી પાસેથી રૂ.૮૦,૦૦૦ની રોકડ કબજે કરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ મહિલા આરોપીઓ (વર્ષાબેન પરમાર, શ્યામાદેવી ભેંસડે અને ચંદાબેન નાગપુરે)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી ઇ.પો.ઇન્સ. વી.આર.વસાવા અને તેમની સર્વેલન્સ ટીમે પાર પાડી છે.