ગુજરાત પોલીસ અને ખાસ કરીને સાણંદ પોલીસને એક મોટી સફળતા મળી છે. બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના હાઈ-પ્રોફાઈલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે સાણંદ-કડી રોડ પરથી આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે.
થોડા સમય અગાઉ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિને ધમકી મળતા જ બિહારનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલે બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ધમકી આપનાર શખ્સનું લોકેશન ગુજરાતમાં છે.
બિહાર પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક ગુજરાત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સર્વેલન્સ સ્ટાફે બિહાર પોલીસ પાસેથી મળેલા મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. સાણંદ પોલીસે મોબાઈલ ટાવર લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીનું ચોક્કસ સરનામું શોધી કાઢ્યું હતું.
પોલીસે સાણંદ-કડી રોડ પર વોચ ગોઠવી હતી અને આખરે સફળતાપૂર્વક આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ શેખર ક્રિષ્ના યાદવ (ઉંમર વર્ષ ૩૨) તરીકે થઈ છે. તે મૂળ બિહારના બાંકા જિલ્લાના બેલહર તાલુકાના ખરૌધા ગામનો વતની છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી શેખર યાદવ છેલ્લા કેટલાંક સમયથી સાણંદ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. તે સાણંદ તાલુકાના નિધરાડ ગામ પાસે આવેલી 'થાર ડ્રાયપોર્ટ' કંપનીમાં જલારામ ટ્રાન્સપોર્ટની ગાડીમાં રહીને મજૂરી કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કયા કારણોસર મુખ્યમંત્રીને ધમકી આપી તે દિશામાં હવે બિહાર પોલીસ વધુ તપાસ કરશે.
સાણંદ પોલીસે આરોપીને રાઉન્ડ-અપ કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને બિહાર પોલીસ તેને મુંગેર લઈ જશે, જ્યાં તેની પૂછપરછમાં ધમકી પાછળનું સાચું કારણ અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની વિગતો બહાર આવશે. અમદાવાદ પોલીસની આ ત્વરિત કાર્યવાહીની બિહાર પોલીસ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. રાજ્ય બહારના ગુનેગારો માટે ગુજરાત હવે સુરક્ષિત આશ્રયસ્થાન નથી રહ્યો તે સાણંદ પોલીસે સાબિત કરી દીધું છે.