BREAKING NEWS

જામનગરના મીની ખ્યાતીકાંડમાં મેનેજમેન્ટનો ખુલાસો ગળે ઉતરતો નથી

  • November 14, 2025 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તબીબને બચાવવા દોડધામ, ડાયરેકટરોને પણ ગાંધીનગરથી તેડુ આવ્યું હતું​​​​​​​

શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ૧૦૫ દર્દીઓની હ્યદયની સારવારમાં ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે ત્યારે મીની ખ્યાતીકાંડ જેવા આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય તબીબ ડો. પાર્શ્ર્વ વોરાને બચાવવા પરિવારજનોમાં દોડધામ મચી ગઇ છે, આટલું જ નહિ એક પરિજન તો તબીબને બચાવવા ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળવા પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ આ ગેરરીતિઓ ખુલતા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલની મેનેજમેન્ટ કમીટીમાં રહેલા અન્ય ડાયરેકટરોને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને આ ગેરરીતિની જાણ છે કે કેમ? તે સહિતનાં સવાલો પુછવામાં આવ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે. ​​​​​​​


જામનગરની ખ્યાતનામ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં હ્યદયની સારવારમાં ગંભીર ગેરરીતિઅઅઓ આચરી પીએમજેએવાય યોજનાના મસમોટા નાણાંકીય કૌભાંડનો ઘટસ્ફોટ થતાં તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે જામનગરના આ મીની ખ્યાતીકાંડમાં હાર્ટ ઇન્સ્ટીટયુટનાં મેનેજમેન્ટે કરેલો ખુલાસો ગળે ઉતરતો નથી. કારણકે હ્યદયની સારવારની પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ આચરી દોઢેક વર્ષથી પીએમજેએવાય યોજના અંતર્ગત નાણાં મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવા છતાં તમામ આઇડી પાસવર્ડ અને ઇમેલ એકસેસ ડો. પાર્શ્ર્વ વોરા પાસે હોવાનો ખુલાસો મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે.


 પરંતુ દોઢ વર્ષ જેટલા લાંબા સમયથી હ્યદય જેવી ખુબ જ મહત્વની સારવારમાં ગેરરીતિ આચરી નાણાં મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોય તેની જાણ મેનેજમેન્ટને ન હોય તે વાત ગળે ઉતરતી નથી આથી આ કૌભાંડમાં મેનેજમેન્ટ બચાવ માટે હવાતીયા મારી રહ્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે બીજી બાજુ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં હ્યદયની સર્જરીમાં ગેરરીતિની સાથે અન્ય નાણાંકીય કૌભાંડો પણ આચરવામાં આવ્યા હોવાની ચર્ચા પણ તબીબી જગતમાં જોરશોરથી ચાલી રહી હોય આ મુદો પણ તપાસનો વિષય બન્યો છે. 


જામનગરમાં જોલી બંગલા પાસે આવેલી જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ઇન્સ્ટીટયુટનાં ડો. પાર્શ્ર્વ વોરાએ પીએમજેએવાય યોજના અંતર્ગત હ્યદયની કાર્ડિયોલોજી અને કાર્ડિઓવા સ્કયુલર થોરાસિક સર્જરીમાં ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યુ હતું આટલુ જ નહિ આ ઇન્સ્ટીટયુટમાં હ્યદયની કરવામાં આવેલી સર્જરીનાં ૨૬૨ કેસની તપાસમાં ૧૦૫ કાર્ડીએક પ્રોસીઝરમાં ગેરરીતિ અને ૫૩ કેસમાં તો દર્દીને જરૂર ન હોય છતાં હ્યદયની સારવાર કરી પીએમજેએવાય યોજના અંતર્ગત રૂ. ૬ કરોડનાં બીલ મુકવામાં આવ્યાનું ખુલતા તબીબી જગતમાં હડકંપ મચી ગયો હતો આ ગંભીર ગેરરીતિ બદલ હાર્ટ ઇન્સ્ટીટયુટના ડો. પાર્શ્ર્વ વોરાને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી છ લાખનો દંડ કરવામાં આવ્યો છે.


આટલું જ નહિ ઇસ્ટીટયુટને પીએમજેએવાયની યોજનામાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. જામનગરમાં મીની ખ્યાતીકાંડ ખુલતા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટનુ મેનેજમેન્ટ દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યુ છે કે આ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં મોટો હિસ્સો પાર્શ્ર્વ વોરાના પરિવારજનોનો હતો. આટલું જ નહિ તેઓ દોઢ વર્ષથી અમારી સાથે જોડાયેલા હતા. આ ગેરરીતિ બદલ તેઓને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. તેમ જણાવવામા આવ્યું છે. પરંતુ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલો આ ખુલાસો ગળે ઉતરતો નથી કારણકે હ્યદય જેવી ખુબ જ મહત્વની સારવારમાં દોઢેક વર્ષથી  ગેરરીતિ આચરી પીએમજેએવાય યોજનામાં નાણાંકીય કૌભાંડ ચાલી રહ્યું હોય તેની મેનેજમેન્ટને જાણ ન હોય તે બાબત શંકા ઉપજાવે છે. 


આટલુ જ નહિ મેનેજમેન્ટ દ્વારા ડો. પાર્શ્ર્વ વોરા હ્યદયની સારવારમાં ગેરરીતિ આચરી  પીએમજેએવાય યોજના અંતર્ગત નાણાંકીય કૌભાંડ કરતા હોય તે સબબ ગત તા.૨૨-૮-૨૦૨૫ના નોટીસ પણ ફટકારી હતી. પરંતુ આ તબીબે માફી નામુ આપતા મેનેજમેન્ટે કોઇ આકરા પગલા ન લઇ સંતોષ માની લીધો હતો. નવાઇની વાત તો એ છે કે ડો. પાર્શ્ર્વ વોરા દ્વારા દર્દીઓની હ્યદયની સારવારમાં  ગેરરીતિ આચરી નાણાંકીય કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનુ જણાતાં અને નોટીસ ફટકારી હોવા છતાં આ મુદે મેનેજમેન્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં શા માટે તંત્રને જાણ કરવામાં ન આવી? તે મુદો પણ તપાસની સાથે શંકાના દાયરામાં આવ્યો  છે. આ સ્થિતિમાં શહેરની ખ્યાતનામ જેસીસી ઇન્સ્ટીટયુટમાં મીની ખ્યાતીકાંડ ખુલ્યા બાદ મેનેજમેન્ટ બચાવ માટે હવાતીયા મારી રહ્યું હોય તે મુદો પણ તબીબી જગતમાં ચર્ચાની એરણે ચડયો છે. આટલુ જ નહિ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજના અંતર્ગત દર્દીઓની હ્યદયની સારવારની જરૂર ન હોય છતાં પણ સારવાર કરી નાણાંકીય ગેરરીતિની સાથે અન્ય વહીવટી કાર્યોમાં પણ નાણાંકીય કૌભાંડ આચરવામાં આવ્યાની આશંકા હોવાનું પણ અંતરંગ સુત્રોએ જણાવ્યું છે.


કૌભાંડ આચરનાર તબીબની ડીગ્રી પર લટકતી તલવાર, એમસીઆઇની કાર્યવાહી પર સૌની મીટ

જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં ડો. પાર્શ્ર્વ વોરા દ્વારા દર્દીઓને જરૂર ન હોય છતાં હ્યદયની સારવાર કરી પીએમજેએવાય યોજના અંતર્ગત નાણાં મેળવવાનું કૌભાંડ ખુલ્યુ છે ત્યારે આ તબીબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજી બાજુ કૌભાંડ આચરનાર ડો. પાર્શ્ર્વ વોરાની તબીબની ડીગ્રી પર પણ જોખમ ઉભુ થયુ છે. કારણકે જો આ કૌભાંડની તપાસ બાદ તે દોષિત પુરવાર થશે તો મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તેની તબીબની ડીગ્રી પરત લઇ લેશે કે કેમ? અને શું કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાઇ છે. 



પીએમજેએવાય યોજનાની તમામ પ્રક્રિયા ઓનલાઇન ચોક્કસ માળખામાં થાય છે

પીએમજેએવાય યોજનામાં જે હોસ્પિટલનો સમાવેશ થાય છે તે હોસ્પિટલે પ્રથમ સંભવત: મોટી રકમ ડીપોઝીટ પેટે જમા કરાવી પડે છે. ત્યારબાદ આ હોસ્પિટલ આ યોજના કે જેમા એક ચોક્કસ માળખુ હોય છે તે મુજબ દર્દીની સારવાર સહિત અન્ય બીલ મુકવાની પ્રક્રિયા ઓનલાઇન કરવી પડે છે. આટલુ જ નહિ જે દર્દીને જે સારવારની જરૂર છે તે કયા ડોકટર કરશે અને તેનું કાઉન્સીલીંગની ઓડીયો, વીડયો રેકોર્ડીંગ પણ ઓનલાઇન મુકવુ પડે છે. દર્દીની સારવાર બાદ હોસ્પિટલ દ્વારા જે બીલો મુકવામાં આવે છેતેના પણ ચોક્કસ હેડ હોય છે. એટલે કે તેમાં નર્સીંગ સ્ટાફ સહિતના હેડનો સમાવેશ થાય છે.

​​​​​​​હોસ્પિટલ દ્વારા મુકવામાં આવેલા બીલોની ચકાસણી બાદ હોસિપટલે આપેલા બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા પીએમજેએવાય ની રકમ જમા કરવામાં આવે છે. ત્યારે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં કોનું એકાઉન્ટ પીએમજેએવાય યોજના અંતર્ગત હતુ અને આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલી રકમ જમા થઇ અને તેનો શું ઉપયોગ થયો તે પણ તપાસનો વિષય બન્યો છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News