ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પકંજ જોશી 31 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થાય છે. આથી રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે, મનોજ કુમાર દાસની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થાય પછી મનોજ કુમાર દાસ ચીફ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળશે. હાલ તેઓ સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત રહેશે.
આ નિમણૂક પંકજ જોશી-IASના નિવૃત્તિથી ખાલી થયેલી જગ્યાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી છે. પંકજ જોશી 31 ઓક્ટોબર, 2025 (બપોર પછી) ભારતીય વહીવટી સેવામાંથી નિવૃત્ત થશે જેમણે ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સેવા આપી છે.
કોણ છે મનોજ કુમાર દાસ ?
મનોજ કુમાર દાસ, જેમને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતીય વહીવટી સેવા (IAS)ના 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી છે. તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન પ્રભાવશાળી નેતૃત્વ, પારદર્શક વહીવટ અને નવીનતા માટે જાણીતા છે.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
મનોજ કુમાર દાસનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી રહ્યા હતા. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે ટેકનોલોજી અને વહીવટ બંને ક્ષેત્રોમાં તેમની મજબૂત પૃષ્ઠભૂમિ દર્શાવે છે.
અગાઉ તેઓ વડોદરા અને સુરત જેવા મહત્વના શહેરોના મ્યુનિસિપલ કમિશનર, 2018માં મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, ગુજરાત મરીન બોર્ડ (GMB)ના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ગુજરાત મરીન બોર્ડ (GMB)ના ચેરમેન તરીકે તેમણે રાજ્યના દરિયાકાંઠાના વિકાસ અને બંદર સંચાલનના ક્ષેત્રે નવી નીતિઓ અમલમાં મૂકીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2018માં તેમની નિમણૂક મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે થઈ હતી. આ ઉપરાંત તે હાલમાં તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. અને વધારાની જવાબદારી રૂપે ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી (હોમ વિભાગ) તરીકે સેવા આપી રહ્યા છે.