BREAKING NEWS

મનસુખ માંડવીયા, હર્ષ સંઘવી, જીતુ વાધાણી આવતીકાલે જામનગરમાં પટેલ સમાજના આંગણે

  • January 03, 2026 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
જામનગરમાં લેઉવા પટેલ સમાજના ત્રિવેણી સંગમ સમાન મહારાસ, સન્માન સમારોહ અને જ્ઞાતિ સમૂહભોજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે કેન્દ્રીય કેબીનેટ મંત્રી, મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રી જીતુ વાધાણી પટેલ સમાજના આંગણે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, કૌશિક વેકરીયા, કમલેશ પટેલ, ધારાસભ્ય રાઘવજી પટેલ તથા દિવ્યેશ અકબરી સહીતના અગ્રણીઓ, દાતાઓ અને મહાનુભાવો તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. 



સમસ્ત લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સમાજ ખાતે જ્ઞાતિની એકતા અને ગૌરવના પ્રતીક સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક વારસો, સામાજિક સન્માન અને જ્ઞાતિ સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે. જેમાંં જામનગર શહેર ઉપરાંત વિભાપર, મોરકંડા, લાલવાડી, દરેડ અને ઠેબા વિસ્તારમાં વસતા અંદાજે ૫૦,૦૦૦ જેટલા જ્ઞાતિ બંધુઓ એક સાથે ભોજન પ્રસાદ લેશે અને એકતા ની શક્તિના દર્શન કરાવશે.

​​​​​​​


કાર્યક્રમની વિગતો આપતા લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા એ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રસંગની પૂર્વ સંધ્યાએ એટલે કે શનિવારના રોજ જામનગર લેઉવા પટેલ સમાજ ખાતે રાત્રીના ૮ કલાકે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજની સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂત બનાવશે. ત્યારબાદ, મુખ્ય કાર્યક્રમ તા.૪ ને રવિવારના સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન યોજાશે. આ ગરિમાપૂર્ણ અવસરે દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,  કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનશેરીયા, કૌશિકભાઈ વેકરીયા તથા કમલેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.



આ ભવ્ય આયોજન દરમિયાન સમાજનું ગૌરવ વધારનાર નવનિયુક્ત મંત્રીઓ અને સમાજ મા ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનો વિશેષ સન્માન સમારોહ યોજાશે. સમાજની ઉન્નતિમાં પાયાનું યોગદાન આપનાર વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ૫૦,૦૦૦ જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.જ્યારે સમસ્ત સમૂહ જ્ઞાતિ ભોજનમાં લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને મંત્રી અશોકભાઈ પટેલ દ્વારા મોટી સંખ્યામાં જ્ઞાતિજનોને તમામ કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application