જામનગરમાં સતત ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગ પર અણધડ ગેપ અને બ્યુટીફીકેશનના કારણે ટ્રાફીક સમસ્યાએ હદ વટાવતા રૂ.૧૫ કરોડના ખર્ચે આ માર્ગ સીકસ લેન બનાવવાનો નિર્ણય મનપા દ્રારા કરાયો છે. ત્યારે આ નવા રોડનો સ્કેચ એટલે કે નકશો તૈયાર થઇ ગયો છે. જો કે, આ માર્ગ બન્યા બાદ સર્વે કરી ગેપ મૂકવામાં આવશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. નવા બનનારા ૧.૧ કીમીના રોડમાં બંને બાજુ ૧૧.૫૦ મીટરનો થ્રી લેન રોડ, ૪.૫ મીટરનો સર્વીસ રોડ, ૧.૫ મીટરની ફૂટપાથ અને ૧ મીટરનું ડીવાઇડર રહેશે. આ રોડનું કામ શરૂ થયા બાદ પૂર્ણ થતા ૧ વર્ષનો સમય લાગશે.
જામનગરમાં વસતી વધારા સામે વાહનોની સંખ્યા પણ જેટ ગતિએ વધી છે. જેની સામે શહેરમાં ટ્રાફીક નિયમન અને પાર્કીંગ સુવિધાનો ભારે અભાવ, મુખ્ય માર્ગો પર અણધડ ગેપના કારણે ટ્રાફીક સમસ્યાએ હદ વટાવી છે. આથી શહેરીજનો ભારે યાતનાનો સામનો કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલીકાએ રહી રહીને શહેરના ટ્રાફીક થી અતિ વ્યસ્ત ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગ કે જેના પર એક ,બે નહીં પરંતુ ૧૦ ગેપ નિયમો અને માપદંડનો ઉલાળીયો કરી મનપા દ્રારા મૂકવામાં આવ્યા છે તે રોડ સીકસ લેન બનાવવાનો નિર્ણય તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કરાયો છે. રૂ.૧૫.૪૭ કરોડના ખર્ચે શહેરમાં ઓશવાળ સેન્ટર, પાઇલોટ બંગલાથી ખોડીયાર કોલોની થઇ દીગ્જામ સર્કલ સુધી હયાત ફોર ટ્રેક રોડને આસ્ફાલ્ટ સીકસ લેન વાઇડીંગ કરવામાં આવશે.
આ નવા રોડનો સ્કેચ તૈયાર થઇ ગયો છે. કુલ ૧.૧ કીલોમીટરની લંબાઇના આ માર્ગમાં બંને બાજુ ૧૧.૫૦ મીટરનો થ્રી-લેન રોડ રહેશે. તદઉપરાંત બંને માર્ગની બાજુ ૪.૫ મીટરનો સર્વિસ રોડ, દોઢ મીટરની ફૂટપાથ, માર્ગની વચ્ચે ૧ મીટરનું ડીવાઇડર રહેશે. આ માર્ગ પર હાલમાં અધધ..૧૦ ગેપ એટલે ક્રોસીંગ છે. આથી આ માર્ગ પર ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે નવો સીકસ લેન માર્ગ તૈયાર થયા બાદ ટ્રાફીક પોલીસ, આરટીઓ અને મહાનગરપાલીકાની ટીમ દ્રારા સર્વે કરી ગેપ મૂકવાનો નિર્ણય કરવામાં આવશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું છે.
ફલાયઓવર બ્રીજના કારણે સુભાષબ્રીજથી ખોડીયાર કોલોની માર્ગ પર આવતા વાહનોને કારણે આ માર્ગ પર ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે. ત્યારે આ નવો સીકસલેન રોડ બનતા આ માર્ગ પર ટ્રાફીક સમસ્યા હળવી થશે તેવો દાવો મનપા દ્રારા કરાયો છે.
માર્ગ તોડવો ન પડે તે માટે વરસાદી પાણીના નિકાલ અને અન્ડરગ્રાઉન્ડ કેબલ માટે આગોતરૂ આયોજન કરાશે
ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધી સીકસ લેન માર્ગ બનાવવાનો નિર્ણય મનપા દ્રારા કરાયો છે. ત્યારે આ માર્ગ બન્યા બાદ અન્ય કામગીરી માટે તોડવો ન પડે તે માટે આગોતરૂ આયોજન પણ કરાયું છે. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે રોડ અને સર્વીસ રોડમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા રાખવામાં આવશે. તદઉપરાંત ફુટપાથ નીચે અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખી શકાય તે માટે ટ્રેન્જ રાખવામાં આવશે. આથી પાણીના નિકાલ કે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે માર્ગ તોડવાની ભવિષ્યમાં ફરજ પડે નહીં.
ખોડીયાર માતાજી મંદીરની નજીકની કેબીનો દૂર કરાશે, બ્યુટીફીકેશન તોડી પાડવામાં આવશે
ઓશવાળ સેન્ટરથી ખોડીયાર કોલોની-દિગ્જામ સર્કલ સુધી સીકસ લેન રોડ બનાવવાનો નિર્ણય મનપા દ્રારા કરાયો છે. ત્યારે ૩૬ મીટર ટીપી કપાતના નિયમ મુજબ આ રોડ બનાવવા માટે નડતરરૂપ બાંધકામ દૂર કરવા પડશે. જો કે, આ માર્ગ પર આવેલું ખોડીયાર માતાજીનું મંદીર કપાતમાં ન આવતું હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. જો કે, મંદીરની નજીક આવેલી અમુક કેબીનો સહીતનું બાંધકામ દૂર કરવાની ફરજ પડશે. જયારે આ માર્ગની એક બાજુ જે તે સમયે વિવાદ અને વિરોધ વચ્ચે કરોડના ખર્ચે કરવામાં આવેલું બ્યુટીફીકેશન તોડી પાડવામાં આવશે.