શહેરના ઢેબર રોડ પર આવેલી ફર્નિચર માર્કેટમાં બકાનીધારી તસ્કરએ ત્રાટકી હતી. અહીં દસેક દુકાનના તાળા તોડી ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે મોટાભાગના વેપારીઓ ગલ્લામાં મોટી રકમ રાખતા ન હોવાથી સામાન્ય રકમની ચોરી થઇ હતી. આ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બુકાનીચારી તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભકિતનગર સોસાયટી શેરી નં.૭ માં રહેતા જયભાઇ પંકજભાઇ કારીયા(ઉ.વ. ૩૨) દ્વારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ઢેબર રોડ પર સદગુરૂ ફર્નિચર નામના બે શો રૂમ આવેલો છે. તા.૨૮ ના રાત્રીના તેના પિતા પંજકભાઇ જે શો રૂમમાં બેસે છે ત્યાં તસ્કરોએ પાછળનું શટર ઊંચકાવી રૂ.૧૭૦૦ રોકડ અને ગાયના ઘાસચાર માટે રાખેલી દાનપેટી તોડી તેમાંથી રૂ.૩૦૦ થી ૪૦૦ જેટલી રોકડ રકમ ચોરી ગયા હતાં.
આ ઉપરાંત બાજુમાં આવેલી પૂનમ ફર્નિચર, ડો. ધનંજય શાહની કલિનિકની બારીના કાચ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જયભાઇના પિતરાઇ ભાઇ પુનિતભાઇ કારીયાના વેર હાઉસ નામના શો રૂમના કાઉન્ટરમાંથી રૂ.૬૫૦ રોકડની ચોરી કરી હતી.
સીસીટીવી કેમેરા ચેક કરતાં મોઢે રૂમાલ મફલર બાંધેલો તસ્કર રાત્રે બારેક વાગ્યે પ્રવેશયા બાદ આ તસ્કર વહેલી સવારે ચારેક વાગ્યે જતા જોવા મળ્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે અન્ય છ દુકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે મોટાભાગના વેપારી ગલ્લામાં મોટી મત્તા રાખતા ન હોવાથી મોટી રકમની ચોરી થઇ ન હતી. ચોરીના આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.