BREAKING NEWS

ગીરમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોના સામૂહિક રાજીનામાથી ખળભળાટ, વન્યજીવોની સારવાર ભગવાન ભરોસે

  • May 27, 2026 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલો અને વન વિભાગમાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગ હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા તમામ ૧૨ વેટરનરી ડોક્ટરોએ (પશુચિકિત્સકો) વહીવટી નીતિઓ સામે વિરોધ નોંધાવતા સામૂહિક લેખિત રાજીનામા ધરી દીધા છે. ગીર પૂર્વ, ગીર પશ્ચિમ અને જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝૂ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત આ તબીબોના એકસાથે રાજીનામાથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ અને ખળભળાટ મચી ગયો છે. કરારની શરતો અનુસાર આ તમામ તબીબો હાલ એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરી રહ્યા છે અને આગામી ૧૫ જૂનથી તેઓ સત્તાવાર રીતે પોતાની ફરજમાંથી મુક્ત થઈ જશે.


સિંહોમાં ઘાતક વાયરસના પ્રકોપ વચ્ચે જ તબીબોએ હથિયાર હેઠા મૂક્યા

આ સામૂહિક રાજીનામા એવા સમયે આવ્યા છે જ્યારે ગીરના સિંહો પર મોટું સ્વાસ્થ્ય સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં ગીરના સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને બેબીસિયા જેવા અત્યંત ગંભીર અને જીવલેણ રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વન્યજીવોના આ રોગચાળા વચ્ચે જ જંગલના અડધા ડઝનથી વધુ સિંહોના મોતના અહેવાલો પણ વહેતા થયા છે. આવા કટોકટીના સમયે જ જંગલની કાયાપલટ રાખતા વેટરનરી તબીબોએ રાજીનામા આપી દેતા સિંહો સહિતના અન્ય વન્યપ્રાણીઓની તાત્કાલિક સારવાર, રેસ્ક્યુ ઓપરેશન અને સંભાળ સામે વન વિભાગ માટે ખૂબ જ મોટો પડકાર ઊભો થયો છે.


GPSCની ભરતી પ્રક્રિયા સામે તબીબોનો ઉગ્ર આક્રોશ

વેટરનરી તબીબોના આ સામૂહિક રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી ૧૮ કાયમી વેટરનરી ઓફિસર (વર્ગ-૨)ની ભરતી સામેનો વિરોધ છે. રાજીનામું આપનાર તબીબોનો ગંભીર આક્ષેપ છે કે વન વિભાગની આ નવી ભરતી પ્રક્રિયામાં સામાન્ય પશુપાલન વિભાગના (ગાય, ભેંસ વગેરે પશુઓના) નિયમો જ બેઠા લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નિયમોમાં જંગલની અંદર વન્યપ્રાણીઓની સારવાર અને ઓપરેશન કરવાનો વર્ષોનો લાંબો અને જોખમી અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું વધારાનું પ્રાધાન્ય, ગુણ કે વેઇટેજ આપવામાં આવ્યું નથી. વન વિભાગમાં જ સિંહ-દીપડા પાછળ રાત-દિવસ એક કરનારા તબીબોને સામાન્ય ઉમેદવાર સમકક્ષ ગણવામાં આવ્યા છે.


રાજીનામા આપનાર વેટરનરી ડોક્ટરોનું લિસ્ટ


અગાઉના અનુભવના નિયમો બદલાતા કારકિર્દી પર સંકટ

તબીબોના જણાવ્યા અનુસાર, અગાઉ ગીર ફાઉન્ડેશન અને ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે પશુચિકિત્સા અધિકારીઓની ભરતી વખતે વન્યજીવ અથવા પ્રાણી સંગ્રહાલય (ઝૂ) ક્ષેત્રના ઓછામાં ઓછા એક વર્ષના અનુભવને રિક્રુટમેન્ટ રૂલ્સમાં ફરજિયાત મહત્વ આપવામાં આવતું હતું. આ વખતે તે નિયમ હટાવી દેવાયો છે. તબીબોની સ્પષ્ટ માગ છે કે વર્તમાન ભરતીના નિયમોમાં તાત્કાલિક સુધારો કરીને અનુભવી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આ બાબતે ગાંધીનગર કક્ષાએ અને વન વિભાગના ઉચ્ચ સ્તરે વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા આખરે તબીબોએ ભારે હૈયે આ આત્યંતિક પગલું ભરવું પડ્યું છે.


૮૯૧ સિંહોની વસ્તી વચ્ચે માત્ર 2 કાયમી ડોક્ટરો, વન વિભાગ લાચાર

આ વિવાદ વચ્ચે વન સંરક્ષક (વન્યજીવ વર્તુળ, જૂનાગઢ) દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકને મોકલવામાં આવેલા એક આંતરિક પત્રમાં પણ વહીવટી તંત્રની ભૂલ સ્વીકારવામાં આવી છે. પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે વન્યજીવ અને હિંસક પ્રાણીઓની સારવાર કરવાની કામગીરી એ સામાન્ય ગામડાના પશુચિકિત્સા કરતા સંપૂર્ણપણે ભિન્ન, જોખમી અને વિશિષ્ટ કુશળતા માંગી લે તેવી હોય છે. ગુજરાતના વન વિસ્તારોમાં હાલમાં અંદાજે ૮૯૧ એશિયાટિક સિંહો ઉપરાંત હજારોની સંખ્યામાં દીપડા અને અન્ય વન્યજીવો વસવાટ કરે છે.


પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આખા વન વિભાગમાં હાલમાં માત્ર બે જ કાયમી પશુચિકિત્સા અધિકારીઓ કાર્યરત છે, અને તેઓ પણ પશુપાલન વિભાગમાંથી ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ) પર આવેલા છે. જંગલની અંદરની તમામ વાસ્તવિક ફિલ્ડ ડ્યુટી, રેસ્ક્યુ ઓપરેશન, બીમાર સિંહોની ટ્રીટમેન્ટ અને પશુઓના પીએમ (પોસ્ટમોર્ટમ) જેવી તમામ કપરી કામગીરી આ ૧૨ કરાર આધારિત તબીબો જ સંભાળી રહ્યા છે. હાલમાં ઉચ્ચ અધિકારીઓના દબાણ અને કડક સૂચનાઓને કારણે કોઈ પણ તબીબ આ સંવેદનશીલ મામલે મીડિયા સમક્ષ ખુલીને બોલવા તૈયાર નથી, પરંતુ જો ૧૫ જૂન સુધીમાં કોઈ રસ્તો નહીં નીકળે તો ગીરના સિંહોની સુરક્ષા ભગવાન ભરોસે થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News