રાજકોટ શહેરમાં દિવાળી પર્વના તહેવારોના દિવસો નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે દિવાનપરા ના શ્રીહરિ કોમ્પલેક્ષમાં શોક સર્કિટથી લાગેલ આગમાં એક શ્રમિકનો મૃત્યુ નીપજ્યાની ઘટના તાજી છે ત્યારે આજે સવારે નવ વાગ્યા આસપાસ સાધુવાણી રોડ પર આવેલ ધારેશ્વર ડેરીમાં એકાએક લાગેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો સદભાગ્યે આ અગ્નિ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા
ફાયર બ્રિગેડ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ નામાંકિત ધારેશ્વર ડેરીમાં સવારે 8: 30 આસપાસ આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવ્યો
આ અંગેની કાલાવડ રોડ ફાયર બ્રિગેડ ને ૯:૮ વાગ્યે જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સાથે ફાયર બ્રિગેડના હરિશ્ચંદ્રસિંહ જીગર દાન રાહુલ રોશિયા રાહુલભાઈ ચૌહાણ સહિતનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પીજીવીસીએલને જાણ કરી વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવી પાણીનો મારો ચલાવી અંદાજે 20થી 25 મિનિટની જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.

તંત્રએ પણ હાશકારો અનુભવ્યો
ધારેશ્વર ડેરીમાં આગ લાગવાના બનાવવામાં સદભાગ્યે વહેલી સવારનો સમય હોય રોજગાર ધંધાવાળા દુકાનદારો એ હજી સુધી દુકાનો ખોલી ન હોય જેના કારણે આ આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની ન થતા ધારેશ્વર ડેરી ના માલિકો તેમજ તંત્ર એ પણ હાશકારો અનુભવ્યો હતો.
લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા
આ અંગેની જાણ સ્થાનિક પોલીસ ને થતા પોલીસ કાફલો તેમ જ અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ના જવાનો ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર બ્રિગેડ તેમજ એફએસએલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આગ લાગતા સવારે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.
20 લાખની નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું
આ અંગે ધારેશ્વર ડેરીના માલિક મનસુખભાઈ કાનજીભાઈ વાસજાળીયા ની પ્રાથમિક પૂછપરછ માં ડેરીમાં રહેલી ચીજ વસ્તુઓમાં ફ્રીજ ફર્નિચર મીઠાઈ નમકીન દૂધ કે સહિતની ચીજ વસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હોય અંદાજે 20 લાખની નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય દુકાનોમાં ધુમાડા નીકળતા શટરો ઊંચકાવી ચેકિંગ કરાયું
સાધુવાસવાણી રોડ પર ધારેશ્વર ડેરીમાં લાગેલી આગથી આજુબાજુની દુકાનોમાં પણ ધુમાડાના ગોટેગોટા નજરે પડતા અન્ય દુકાનોમાં આગ લાગી છે કે કેમ તેની ખરાઈ કરવા અને તકેદારી ના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમે દુકાનોના શટર ઉચકાવી ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ સદભાગ્યે આગ ત્યાં સુધી પહોંચે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો.