શાપર વેરાવળ પાસેના રીબડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પૂઠાંના બોક્સ બનાવતી ઓમ પેકેજિંગ કંપનીમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ચાર ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચાલવી આગ કાબુમા લીધી હતી.આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ,શાપર વેરાવળ પાસેના ગુંદાસરા રોડ રીબડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે વહેલી સવારે ૩:૩૦ આસપાસ ઓમ પેકેજિંગ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. આગ વધુ ભીષણ બનતા સમય સૂચકતા સાચવી ફાયર બ્રિગેડને જાણ કરતા શાપર-વેરાવળમાંથી એક, ગોંડલમાંથી એક અને રાજકોટમાંથી બે ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચાલવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કંપનીમાં રહેલો મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું મોટું નુકસાન થયાનો અંદાજ છે.