દિવાળીના પવિત્ર પર્વ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસની સાથે સાથે આગ, અકસ્માત અને ઝઘડાની ઈમરજન્સી ઘટનાઓમાં ચિંતાજનક મોટો વધારો નોંધાયો છે. રાજ્યની '112' પોલીસ અને '108' મેડિકલ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે આગ લાગવાના બનાવોમાં રેકોર્ડબ્રેક 565.45 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં આગ સંબંધિત કુલ 366 ઘટનાઓ સામે આવી હતી, જેમાં સુરત અને અમદાવાદ મોખરે રહ્યા હતા. આ ઉપરાંત, ફટાકડા કે અન્ય કારણોસર દાઝી જવાના 62 કેસોમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી હતી.

રાજ્ય સરકારની 112 ઈમરજન્સી સેવા પર નોંધાયેલા આગના કુલ 366 કેસમાં સુરત શહેર 82 ઘટનાઓ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારપછી અમદાવાદ શહેરમાં 56 અને રાજકોટ શહેરમાં 44 આગના બનાવો બન્યા હતા. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સુરત ગ્રામ્યમાં 37, વડોદરા શહેરમાં 22, જામનગરમાં 14, ગાંધીનગર અને કચ્છ પૂર્વમાં 12-12 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 11 સ્થળોએ આગ લાગવાના કિસ્સા સામે આવ્યા હતા. દિવાળીની રાત્રે ફટાકડા અને રોકેટના તણખાના કારણે આ મોટાભાગના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે.

તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે કે અન્ય કોઈ કારણસર દાઝી જવાની ઘટનાઓમાં પણ વધારો થયો હતો. 108 એમ્બ્યુલન્સ સેવાને દાઝી જવાના કુલ 62 ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જેમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ અમદાવાદ જિલ્લામાં જોવા મળી હતી, જ્યાં 13 લોકો દાઝી ગયા હતા. આ સિવાય સુરતમાં 12, કચ્છ અને રાજકોટમાં 5-5, તેમજ ગાંધીનગર અને વડોદરામાં 4-4 દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડ જિલ્લામાં 2-2 કેસ નોંધાયા હતા.

પોલીસ અને સુરક્ષા સંબંધિત 112 હેલ્પલાઈન પર સામાન્ય દિવસોમાં સરેરાશ 3,610 કોલ્સ આવતા હોય છે, જેની સરખામણીએ દિવાળીના દિવસે 56.54 ટકાના વધારા સાથે કુલ 5,651 ઈમરજન્સી કોલ પ્રાપ્ત થયા હતા. આંકડા મુજબ, જાહેરમાં ઝઘડાની ઘટનાઓ સામાન્ય દિવસોના 967 સામે 62.67 ટકા વધીને 1,651 થઈ હતી. હુમલા (Assault) ના બનાવો 617 થી વધીને 1,104 (78.93 ટકા વધારો) નોંધાયા હતા. આ સિવાય અવાજના પ્રદૂષણને લગતી ફરિયાદોમાં 205.04 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો, જેના 363 કોલ્સ નોંધાયા હતા.

બીજી તરફ, આરોગ્ય ક્ષેત્રની 108 એમ્બ્યુલન્સ સેવાને દિવાળીના દિવસે કુલ 5,934 મેડિકલ ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા, જે સામાન્ય દિવસોના 5,246 કોલ્સની સરખામણીએ 13.12 ટકા વધુ છે. ઈમરજન્સી ઘટનાઓમાં સૌથી ભયાનક ઉછાળો વાહન અકસ્માતોમાં જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં નોંધાતા 646 કેસ સામે સીધો 87.49 ટકાનો તોતિંગ વધારો થઈને 1,212 રોડ અકસ્માતના કેસ નોંધાયા હતા. આ સિવાય બિન-વાહન ઈજાઓના બનાવોમાં પણ 75.17 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો, જેના કારણે હોસ્પિટલોના ઈમરજન્સી વોર્ડ આખી રાત ધમધમતા રહ્યા હતા.