બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલાં SIT સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ જયરાજ આહીરને હાજર થવા સમન્સ પાઠવવામાં આવતા તે હાજર થયા છે.
બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી. ટિમની તપાસમાં પ્રથમ કાન ભીખા કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારસુધીમાં આ કેસમાં 11 આરોપીઓ ઝડપાયા છે.
આ કેસની વિગત એવી છે કે, બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ એક જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.