રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટના મેયર ડો.નેહલ શુકલ દ્વારા આજે એક અર્જન્ટ અને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ભારતના ચૂંટણી કમિશનરો પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આંતરિક મતભેદના આક્ષેપોને સખત શબ્દોમાં કાઢી નાખ્યા હતા અને તાજેતરના એસ.આઇ.આર.(સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન)નો ઉલ્લેખ કરતા આ આક્ષેપોને સંપૂર્ણપણે કાલ્પનિક, આધારવિહીન અને મનઘડત ગણાવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મેયરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ વિરૂધ્ધ છપાયેલા કાલ્પનિક અને તથ્યહીન લેખને આધાર બનાવી બેબુનિયાદ સવાલો ઉઠાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. ગઇકાલે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે એસ.આઇ.આર.સબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-૬ના મૂળ સ્વરૂપમાં એસ. આઇ.આર.દરમિયાન કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે એસ.આઇ. આર.દરમિયાન મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને માન્ય રાખી છે. સુનિયોજિત ષડયંત્ર હેઠળ ફેક નેરેટિવ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા એ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમનું મુખ્ય કામ બની ગયું છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પહેલા પોતાની હારનું ઠીકરું ઇવીએમ ઉપર ફોડતી, પછી એસઆઇઆરને દોષ દીધો ને હવે ચુંટણી પંચ ઉપર નિરાધાર-ખોટા આક્ષેપો કરી રહી છે. જ્યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્યાં લોકશાહીનો વિજય અને જ્યાં જનાદેશ ભાજપની તરફેણમાં આવે ત્યાં વોટ ચોરી આ બેવડા ધોરણો જનતા સારી રીતે ઓળખે છે. કોંગ્રેસ પાસે હવે જનતાની વચ્ચે જવાનો મુદ્દો નથી, એટલે હાર ન પચાવી શકનારી કોંગ્રેસ ચૂંટણી પંચને નિશાન બનાવી જુઠાણા ફેલાવી જનસંમર્થનની એક આભા ઊભી કરવામાં આવી રહી છે. દેશની જનતાને ખોટા કારણો અને ભ્રામક પાયાવિહિન અને તથ્યથી વિમુખ વાતો દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો લાંબા સમય સુધી ચાલી શકતા નથી. સત્ય સામે જુઠાણાનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. કોંગ્રેસ પાસે જનતાના માટે કોઈ નક્કર એજન્ડા કે મુદ્દો ન હોવાથી તે માત્ર નકારાત્મક રાજનીતિ અને અફવાઓની રાજનીતિ પૂરતી મર્યાદિત બની ગઈ છે. કોંગ્રેસના જૂઠાણાંઓનો ભાંડો હવે દેશની જનતા સમક્ષ ફૂટી ગયો છે.
વિશેષમાં મેયરે કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ બન્યું છે અને વિશ્વના તમામ દેશોએ પણ ભારતના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે. તમામ ક્ષેત્રોમાં ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવતું થયું છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની પારદર્શી અને મજબૂત લોકતાંત્રિક પ્રક્રિયા ઉપર સવાલો ઉઠાવીને વૈશ્વિક સ્તરે ભારતની છબીને ડાઘ લગાડવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ દેશની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર અને લોકતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દેશની બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાની અને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાની જુઠાણાની ફેક્ટરી બની ચુકી છે. પોતાની રાજકીય જમીન ખસી જતાં કોંગ્રેસ સતત ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર અને બંધારણીય સંસ્થાઓ પર ખોટા અને ઉપજાવી કાઢેલા આક્ષેપો કરીને તેની શાખ બગાડવાનો પ્રયાસ કરે છે. એસ. આઇ.આર.ના તથ્યો સામે આવ્યા બાદ સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ હોવાની જે મનધડત વાર્તા ઘડી હતી તે માત્ર સસ્તા પબ્લિસિટી સ્ટંટ સિવાય કંઈ નહોતું.
મેયરે કોંગ્રેસની નિમ્ન કક્ષાની અને ભ્રામક રાજનીતિનો વિરોધ કર્યો હતો અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ પાર્ટી જનતા તથા બંધારણીય સંસ્થાની જાહેર માફી માગે તેવી માંગણી કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં મેયર ડો.નેહલ શુક્લની સાથે ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ, શહેર મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.