રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બજેટ બોર્ડ મિટિંગમાં બજેટની ચર્ચા કોરાણે રહી હતી અને મેયરના પતિદેવએ સંત કબીર રોડ ઉપર સુચિત સોસાયટીમાં કરેલા ગેરકાયદે બાંધકામના મામલે વિપક્ષ કોંગ્રેસે હોબાળો મચાવીને તપાસની માંગ કરી હતી.
સવારે ૧૧ કલાકે બોર્ડ મિટિંગના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ બજેટની હાઈલાઇટ્સ રજૂ કરવાનું શરૂ કર્યું હતું, દરમિયાન વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયા સતત વચ્ચે વચ્ચે અંતિમ બોર્ડમાં વિપક્ષને બોલવાની તક આપવા માંગણી કરતા રહ્યા હતા, જો કે ૧૧:૦૦થી ૧૧:૪૦ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ચેરમેને વિસ્તાર પૂર્વક બજેટની યોજનાઓ, જોગવાઇઓ અને શાસનની સિધ્ધિઓ વર્ણવી હતી. સામાન્ય રીતે સભાધ્યક્ષ મેયરનું બજેટ પ્રવચન ક્રમાનુસાર સૌથી છેલ્લે હોય છે પરંતુ બોર્ડ મિટિંગનો સમય એક કલાકથી વધુ ન લંબાવવો તેવું અગાઉથી નક્કી હોય તેમ તેમજ વિપક્ષ વારો આવવા નહીં દે તેમ જણાતા સ્ટેન્ડિંગ ચેરમેન બાદ તુરંત મેયરે પોતાનું પ્રવચન શરૂ કર્યું હતું ! આ દરમિયાન વિપક્ષના વશરામ સાગઠીયાએ મેયરની સમાંતર પોતાની સ્પીચ આપવાનું શરૂ કરતા બન્નેમાંથી કોઇની સ્પીચ સમજાય કે સંભળાય નહીં તેવી સ્થિતિ સર્જાતા શાસકોના આદેશથી વિપક્ષનું માઇક બંધ કરી દેવાયું હતું. આવા કારણે વિરોધપક્ષ વધુ રોષે ભરાયો હતો અને મેયરના પતિદેવે કરેલા ગેરકાયદે બાંધકામના તપાસની માંગ કરી આક્ષેપો કર્યા હતા.
બજેટ બોર્ડમાં પરંપરાગત રીતે એક પછી એક કોર્પોરેટરે બજેટને આવકારતી સ્પીચ આપતા હોય છે જેમાં વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો.અલ્પેશ મોરઝરિયાની સ્પીચ પૂર્ણ થઇ ત્યાં ૧૧:૪૫ થઇ જતા વિપક્ષને બોલવાની તક નહીં મળે તેમ જણાતા હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટરો મનિષભાઇ રાડિયા, ચેતનભાઈ સુરેજા, જીતુભાઇ કાટોળીયા, દિલીપભાઇ લુણાગરિયા, નિરુભા વાઘેલા વિગેરેએ તેમને વિપક્ષના વર્તનને વખોડી બજેટલક્ષી ચર્ચા જ કરવા ક્રમ મુજબ જ સ્પીચ આપવા ટકોર કરી હતી.પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવએ બજેટને આવકારવાનું શરૂ કર્યું ત્યાં વિપક્ષે પીપીપી અને બીઓટી યોજનાઓ બિલ્ડર લોબીને ફાયદો કરાવવા માટે મુકાયાનો આક્ષેપ કર્યો હતો સાથે જ મેયરના પતિદેવે સંતકબીર રોડ ઉપર નંદુબાગ નજીક શિવશક્તિ સૂચિત સોસાયટીમાં કરેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ મામલે તપાસની માંગ દોહરાવી હતી. આ મુદ્દે હોબાળા વચ્ચે મ્યુનિ.સેક્રેટરી ધવલ જેસડીયાએ એજન્ડા રહેલી બજેટ સહિતની ૧૧ દરખાસ્તો મતદાન ઉપર મૂકતા સર્વાનુમતે મંજૂર થઇ હતી.
કંઇ ખોટું કર્યું નથી, જમીન વારસાઈ છે: ગેરકાયદે બાંધકામ મેયરનો બચાવ
રાજકોટ મહાપાલિકાનું બજેટ બોર્ડ પૂર્ણ થયા બાદ મેયર નયનાબેન પેઢડીયાએ તેમના પતિદેવના ગેરકાયદે બાંધકામ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કંઈ ખોટું કર્યું નથી, જમીન મારા પતિની વારસાઈ છે, બાપ દાદા વખતની જમીન છે. મહિલા મેયરની ગરિમા જાળવવી જોઈએ ! તેમ જણાવ્યું હતું.
એટીપી રેનિસ વાછાણી ગેરકાયદે બાંધકામથી જ અજાણ
સંતકબીર રોડ ઉપરની સુચિત સોસાયટીમાં મેયરના પતિ વિનોદભાઈનપેઢડિયાએ કરેલા ગેરકાયદે બાંધકામ મામલે એટીપી રેનીસ વાછાણીએ પોતાને આ મામલે કંઇ ખ્યાલ જ નહી હોવાનું ગાણું ગાયું હતું.