જામનગર : દિગ્જામ ઓવરબ્રિજ પાસે રેલ્વે ટ્રેક નજીકના દબાણો પર મેગા ડિમોલીશન
જામનગર : દિગ્જામ ઓવરબ્રિજ પાસે રેલ્વે ટ્રેક નજીકના દબાણો પર મેગા ડિમોલીશન
February 06, 2026 06:11 PM
જામનગરમાં રેલ્વે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસનાં જંગી કાફલાને સાથે રાખીને આજે સવારે બાવરીવાસ અને આજુબાજુનાં ૩ કિ.મી. નાં વિસ્તારને આશરે ૧૫૧ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમય બાદ રેલ્વેનું આ મેગા ઓપરેશન છે. બાવરીવાસ વિસ્તારમાં કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ૨૦ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત ૩૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. રેલ્વેના અધિકારીઓ પણ સ્થળ પર છે ત્યારે સાંજ સુધીમાં આ ઓપરેશન પુર્ણ થઇ જશે તેમ રેલ્વેના અધિકારીએ જણાવ્યું છે.
ત્રણ ચાર દિવસ પહેલા જ સીટી ડીવાયએસપી સહિતના અધિકારીએ બાવરી વિસ્તારની મુલાકાત લઇને કયા કયા દબાણો તોડવાના થાય છે તે અંગે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો હતો ત્યારબાદ આજ સવારથી જ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને ઇન્ચાર્જ એસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ઝાલા, મીત રૂદ્રલાલ, સીટી સી પીઆઇ ડાભી, સીટી બીનાં પીઆઇ ઝા, સીટી એ નાં પીઆઇ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. રેલ્વે વિભાગના સાત અને જેએમસીના ત્રણ જેસીબી પણ આ ઓપરેશનમાં જોડાયા હતા જયારે એસ્ટેટ વિભાગ તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રેલ્વેના મહેશ મીના સહિતના અધિકારીઓ સ્થળ ઉપર હાજર હતા.
આજ સવારથી જ ઓપરેશન શરૂ થયુ ત્યારે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આશરે ૩ કિ.મી. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રેલ્વેની બન્ને બાજુ ૩૦-૩૦ મીટર સુધીનાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ એસ.પી પ્રતિભાનાં જણાવ્યા અનુસાર સાંજ સુધીમાં આ ઓપરેશન પુરુ થઇ જશે અને જગ્યા ખાલી કરાવાશે હજુ બે ત્રણ દિવસ પહેલા જ પોલીસે આ જગ્યાનું નિરિક્ષણ કરીને એક વ્યવસ્થિત પ્લાન બનાવીને રેલ્વેને મોકલ્યો હતો. ત્યારબાદ આજે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સવારથી જ બાવરીવાસ અને આજુબાજુના વિસ્તારોમાં જેસીબી ગોઠવાઇ જતા લોકો એકઠા થયા હતા પરંતુ ૧૦.૩૦ સુધી એવો કોઇ ખાસ બનાવ બન્યો નથી. રેલ્વે દ્વારા આ અગાઉ અવાર નવાર જુના રેલ્વે સ્ટેશન પાસે દબાણ દુર કરવા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજે બાવરીવાસ વિસ્તારમાં રેલ્વે અને સ્થાનિક પોલીસ દ્વારા આ મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
૩ કિ.મી.નાં વિસ્તારમાં શરૂ કરાયેલા ઓપરેશનમાં ૩૦૦ પોલીસ કર્મીઓ જોડાયા
જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં આજ સવારથી જ રેલ્વે અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રેકની બન્ને બાજુ થઇ ગયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે ૩ કિ.મી.નો લાંબો વિસ્તાર હોય અને બાવરીવાસમાં અનેક વખત અનિચ્છનીય ઘટના બનતી હોય તે માટે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને પોલીસ સતત વોચ રાખી રહી છે.