હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે વિવિધ સ્તરે તૈયારી કરી દીધી છે. આજે સવારથી જ મેઘરાજાએ નર્મદા જિલ્લામાં તોફાની શરૂઆત કરી દીધી છે. આજે સવારના છથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે. નર્મદાના સાગબારા અને ગરુડેશ્વર તાલુકામાં માપવામાં આવેલા આંકડા મુજબ ૪.૬૫ ઈંચ (૧૧૮ મીમી) જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય નંદોદ તાલુકામાં ૩.૫૪ ઈંચ (૯૦ મીમી) અને તિલકવાડામાં ૩.૧૫ ઈંચ (૮૦ મીમી) વરસાદ નોંધાતાં નર્મદા જિલ્લાના નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવાર-સવારમાં જ ધોધમાર વરસાદ વરસી પડતાં હવામાનમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
નર્મદા ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વહેલી સવારે સારો એવો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ૨.૬૪ ઈંચ (૬૭ મીમી) અને આણંદ તાલુકામાં ૨.૨૦ ઈંચ (૫૬ મીમી) વરસાદ પડ્યો છે. બીજી તરફ વડોદરા શહેરમાં ૧.૯૭ ઈંચ (૫૦ મીમી) અને છોટાઉદેપુરના નસવાડીમાં ૧.૯૩ ઈંચ (૪૯ મીમી) વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં ૧.૬૫ ઈંચ (૪૨ મીમી) તથા તાપીના નિઝરમાં ૧.૫૭ ઈંચ (૪૦ મીમી) વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
રાજ્યના અન્ય તાલુકાઓની વાત કરીએ તો વડોદરાના ડભોઈ, આણંદના ઉમરેઠ, સુરતના ઉમરપાડા, અને ખેડાના મહુધા તથા વડોદરાના સિનોરમાં એક ઈંચ કરતાં વધુ (૩૦ થી ૩૪ મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી, મહેસાણા, અરવલ્લી અને ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે.
બીજી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત સાત જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા અર્થે આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે.