નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શરાબ શોખીન પ્યાસીઓ સાસણ તેમજ તાલાળા પંથકમાં આવેલ ફાર્મ હાઉસ બુક કરાવી મહેફિલ ની તૈયારી કરી રહ્યા છે તો આવા શરાબ શોખીનોને પકડવા માટે પોલીસે પણ વોચ અને બાદમીદારોને મેદાનમાં ઉતાર્યા હોય તે દરમિયાન તાલાલા તાલુકા ભોજદે ગીર ગામના જંગલ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી શરાબની મહેફિલ માણતા રાજકોટ અને જેતપુરના ચાર વેપારીઓ અને ફાર્મ હાઉસ સંચાલક ને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ તાલાલામાં એલ.સી.બીના સ્ટાફને મળેલી બાતમીના આધારે ભોજદે ગીર ગામના જંગલ વિસ્તારમાં આવેલા ઓમ ફાર્મ હાઉસમાં ત્રાટકી પોલીસે આ સ્થળે નાતાલ નિમિત્તે શરાબની મહેફીલ
માંડેલા રાજકોટના ત્રણ અને એક જેતપુરના વેપારી તથા ઓમ ફાર્મ હાઉસ સંચાલકને ઝડપી લીધા હતા.
એલસીબીએ શરાબની મહેફીલ માણતા રાજકોટના સાગર રસિકભાઈ વઘાસિયા, ધ્રુવિલ અશોકભાઈ પાદરિયા મુળ જેતપુર હાલ રાજકોટ, ભાર્ગવ હસમુખભાઈ ઢોલરિયા રહે. જેતપુર, ભાર્ગવ કલ્પેશભાઈ વઘાસિયા તેમજ ફાર્મ હાઉસ સંચાલક અરજણ અરસીભાઈ બારડ રહે. જેપુર ગીર, તા.તાલાલા ગીરને રંગે હાથ ઝડપી પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
તાલાલા પંથકના ફાર્મ હાઉસો દીવની જેમ શરાબની મહેફિલો માટે પ્રખ્યાત બનવા લાગ્યા છે. અહી વારંવાર જુગાર દારૂની મહેફિલો ધમધમતી હોવાના ઘણા બધા દરોડા અગાઉ ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યા છે ત્યારે નજીકમાં 31 ડીસેમ્બર હોય જેથી તાલાળા અને સાસણમાં ખબરીઓને પોલીસે કામે લગાડ્યા છે અને શરાબ અને જુગાર ચાલતા હોય તેવા ફાર્મ હાઉસ પરબાજ નજર ગોઠવી છે.