વૈશ્વિક ટેક જાયન્ટ અને ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની 'મેટા પ્લેટફોર્મ્સ' દ્વારા ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી શરૂ કરવામાં આવી છે. આ આકરા નિર્ણયથી કંપનીના આશરે 8,000 જેટલા કર્મચારીઓની નોકરી છિનવાઈ ગઈ છે. મેટા દ્વારા વૈશ્વિક સ્તરે ખર્ચ ઘટાડવા અને કંપનીના માળખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ છટણીની સત્તાવાર શરૂઆત કંપનીના એશિયા-પેસિફિક રીજનના મુખ્ય મથક સિંગાપોર હબથી થઈ હતી, જે બાદમાં યુએસ, યુકે સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ લાગુ કરવામાં આવી છે.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, મેટા કંપનીએ આ છટણી પ્રક્રિયાને ખૂબ જ શાંતિપૂર્ણ અને વિવાદ વગર પુરી કરવા માટે એક ખાસ રણનીતિ અપનાવી હતી. અમેરિકા અને બ્રિટન સહિત વિવિધ દેશોના કર્મચારીઓને અચાનક ઓફિસ ન આવવા માટે જણાવાયું હતું અને તેમને તાત્કાલિક અસરથી 'વર્ક ફ્રોમ હોમ' (ઘરેથી કામ) કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર રીતે કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવાના ઇમેઇલ્સ મોકલવાના શરૂ થયા હતા. સિંગાપોરમાં અસરગ્રસ્ત કર્મચારીઓને સ્થાનિક સમય મુજબ વહેલી સવારે ૪:૦૦ વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે ૧:૩૦ વાગ્યે) આ પ્રકારના મેઇલ પ્રાપ્ત થયા હતા. અલગ-અલગ દેશોના ટાઇમ ઝોન પ્રમાણે આ છટણીની ડિજિટલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કંપનીના ઘણા કર્મચારીઓનું માનવું છે કે ઘરેથી કામ કરવાનો આદેશ એટલે જ અપાયો હતો જેથી ઓફિસ કેમ્પસમાં કોઈ હંગામો કે અશાંતિ ન સર્જાય.
આ સામૂહિક છટણીની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલા મેટા કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા આશરે 78,000 જેટલી હતી. હવે તેમાંથી હજારો લોકોને બહારનો રસ્તો બતાવી દેવાયો છે, જ્યારે હજારો કર્મચારીઓનું અલગ વિભાગોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મેટાના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલે દ્વારા બહાર પાડવામાં આવેલા એક ઇન્ટર્નલ મેમોમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે 7,000 કર્મચારીઓને કંપનીની નવી તૈયાર થઈ રહેલી એઆઇ-નેટિવ ટીમોમાં ફરીથી નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીમાં અગાઉથી ખાલી પડેલી અંદાજે 6,000 જગ્યાઓને કાયમ માટે નાબૂદ કરી દેવામાં આવી છે. કંપની ખાસ કરીને મેનેજરિયલ-લેવલ (પ્રબંધકીય સ્તર)ના સ્ટાફમાં મોટો ઘટાડો કરી રહી છે. જેનેલ ગેલે સ્પષ્ટ કર્યું હતું કે કંપની હવે એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં નાના જૂથો અથવા ક્લસ્ટરોના ફ્લેટ માળખા સાથે વધુ ઝડપથી અને માલિકીભાવ સાથે કાર્ય કરી શકાય.
આ આકરી છટણીની સૌથી મોટી અને નકારાત્મક અસર કંપનીની મુખ્ય એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમો પર પડવાની ધારણા છે. એટલું જ નહીં, આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષના અંત સુધીમાં કંપની દ્વારા વધુ કર્મચારીઓનો કાપ મુકવામાં આવી શકે છે. મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે હવે કંપનીની તમામ તાકાત અને સંસાધનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ લગાવવાનું નક્કી કર્યું છે. મેટાએ અગાઉ જાહેરાત કરી છે કે તે ચાલુ વર્ષ દરમિયાન ૧૨૫ થી ૧૪૫ બિલિયન ડોલરનો જંગી ખર્ચ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી સિંહફાળો માત્ર એઆઇ ટેક્નોલોજીના સંશોધન અને વિકાસ માટે ફાળવવામાં આવશે. બદલાતા જતા વૈશ્વિક ટેકનિકલ પ્રવાહો વચ્ચે મેટાનું આ પગલું અન્ય આઇટી કંપનીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યું છે.