રાજ્યમાં એકતરફ અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીનો માહોલ છે, ત્યારે બીજી તરફ કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આગામી 5 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, તીવ્ર પવન અને કેટલાક સ્થળોએ કરા પડવાની સંભાવના વ્યક્ત કરીને હવામાન વિભાગ દ્વારા ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અણધાર્યા હવામાન પલટાને કારણે વહીવટી તંત્રને પણ સાબદું કરી દેવાયું છે.
આજે રવિવારના દિવસે જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની તીવ્ર અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરા પડવાની આશંકા છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મેઘગર્જના અને કરા સાથે ભારે વરસાદની સંભાવના જોતાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં વસતા નાગરિકોને કટોકટી સિવાય બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 'યલો એલર્ટ'
બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં પણ માવઠાની વ્યાપક અસર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે પરંતુ સ્થાનિક જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.
પવનની ગતિ અંગે ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. આથી કાચા મકાનો, હોર્ડિંગ્સ અને નબળા વૃક્ષો ધરાવતા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવી જરૂરી બનશે.
આગામી 5 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ?
હવામાન વિભાગની સમયરેખા મુજબ, આગામી ૩૧ મે થી ૨ જૂન સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર સૌથી વધુ જોવા મળશે. આ ત્રણ દિવસો દરમિયાન અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 'ભારે વરસાદ'ની ખાસ ચેતવણી આપવામાં આવી છે. ત્યારબાદ, 3 થી 5 જૂન દરમિયાન વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ સતત યથાવત રહેશે.
કાળઝાળ ગરમી વચ્ચે આવી પડેલી આ આફતને કારણે સામાન્ય જનતાને તાપમાનથી ભલે રાહત મળે, પરંતુ ખુલ્લામાં પડેલા અનાજ અને ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.