BREAKING NEWS

સરપંચની ચૂંટણીનું ચાલતું મનદુખ લોહિયાળ બન્યું...લગ્નના ફૂલેકામાં કાઠી દરબાર અને પટેલ જૂથ વચ્ચે બઘડાટી બોલી, આધેડની હત્યા

  • November 06, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરાના ફુલજર ગામે લગ્ન પ્રસંગના ફુલેકામાં ઘોડાને ટ્રેક્ટર અડી જવા મુદ્દે કાઠી દરબાર અને પટેલ જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું થતા આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ત્રણથી વધુ વ્યક્તિને ઈજાઓ થતા બાબરા, ગોંડલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બંને જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી તેનું મૂળ કારણ ગામની સરપંચની ચૂંટણીનું ચાલતું મન દુઃખ કારણભૂત મનાઈ રહ્યું છે. રાત્રિના અથડામણ અને હત્યાના બનાવને લઈ જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો ફુલજર ગામે દોડી ગયો હતો અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.


મહેન્દ્રભાઈ વાળાનું મોત નીપજ્યું

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોટા દેવળીયા ગામે રહેતા મહેન્દ્રભાઈ ભાણભાઈ વાળા (ઉ.વ.54), દેવકુભાઈ ભાભલુભાઈ વાળા (ઉ.વ.55), હરદીપ દેવકુભાઈ વાળા (ઉ.વ.29) સહિતના ફૂલજર ગામે રાત્રે પરિચિત બાવાજી યુવકના લગ્નના ફુલેકામાં ઘોડા લઈને આવ્યા હતા. ત્યારે ખોડા જેરામ પદમાણી, મનસુખ જેરામ પદમાણી સહિતના 30 જેટલા શખ્સોના ટોળાએ ધોકા-પાઇપ સહિતના હથિયારો ધારણ કરી હુમલો કરતા ગંભીર ઈજાઓ થવાથી મહેન્દ્રભાઈ, દેવકુભાઇ, હરદીપ સહિતનાને સારવાર માટે બાબરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં મહેન્દ્રભાઈ વાળાનું મોત નીપજ્યું હતું. જ્યારે દેવકુભાઇ, હરદીપને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ફૂલજર ગામમાં શોકનો માહોલ 

બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ફુલજર ગામે દોડી ગયો હતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. માથાકૂટ બાવાજી યુવાનના લગ્નના ફુલેકામાં કાઠી દરબાર જૂથના ઘોડાને ટ્રેકટર અડી જવા થઇ હતી તો કેટલાક સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે પણ બંને જૂથ વચ્ચે ઘર્ષણ ચાલુ હતું. જે ગઇરાત્રે લોહિયાળ બન્યું હતું. બનાવના પગલે બાબરા પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદ નોંધી પટેલ જૂથ સામે હત્યા, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે ફૂલજર ગામમાં શોકનો માહોલ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application