સોમનાથ વેરાવળ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.પ્રૌઢા વેરાવળમાં રહેતા સગાને ત્યાં હાજરી આપવા માટે ગયા હતા અને ત્યાંથી રાજકોટ આવવા માટે ટ્રેનમાં ચડવા જતા બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ભગવતીપરામાં સ્વામિનારાયણ ડેરીવાળી શેરીમાં રહેતાં રશીદાબેન મહમદભાઈ પરમાર (ઉ.વ.65) નામના પ્રૌઢા ગત તા. 10ના રોજ સવારે દશેક વાગ્યે વેરાવળ રેલ્વે સ્ટેશને હોય દરમિયાન ટ્રેન આવતા તેમાં ચઢવા ગયા ત્યારે પગ લપસી જતા પટકાયા હતા જેમાં તેમને પગમાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાકીદે વેરાવળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
અહિ ગત સાંજે દમ તોડી દેતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ રેલ્વે પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રશીદાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ છુટક મજૂરી કરે છે. પોતે વેરાવળ રહેતા સગાને ત્યાં પ્રસંગમાં ગયા હતા દરમિયાન ઘટના ઘટી હતી.