જામનગર સહીત રાજયભરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા એટલે કે એસઆઇઆરની કામગીરી ચાલી છે. આ કામગીરીના અસહ્ય દબાણથી બીએલઓના આપઘાત અને હાર્ટએટેકથી મૃત્યુ થતાં કર્મચારીઓમાં ભારે ભય સાથે પ્રચંડ રોષની લાગણી ફેલાઇ છે. આમ છતાં ૭૯-જામનગર બીએલઓના ગ્રુપમાં મધરાત્રીના એટલે કે ૧૨.૩૩ કલાકે બીએલઓ એપ ઝડપથી ચાલી રહી છે તો તેનો મહતમ લાભ લેવા એટલે કે ઓનલાઇન એન્ટ્રી કરવાનો સંદેશ મૂકવામાં આવતા ભારે ચકચાર જાગી છે. એસઆઇઆરની કામગીરીના ભારણથી બીએલઓના મૃત્યના બનાવ બાદ પણ તંત્ર દ્રારા સતત દબાણ કરવામાં આવતા બીએલઓ અત્યંત દયનીય સ્થિતિમાં મૂકાયા છે. આમ છતાં તંત્ર ટસનું મસ ન થતા બીએલઓમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઇ છે.
જામનગર સહીત રાજયભરમાં સ્પેશ્યિલ ઇન્ટેન્સીવ રીવીઝન એટલે કે એસઆરઆર(મતદાર યાદી સઘન સુધારણા)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત ડોર ટુ ડોર જઇને મતદારોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે બીએલઓને ફરજની સોંપણી કરાઇ છે. જેમાં મોટા ભાગના શિક્ષકોનો સમાવેશ થાય છે. એસઆઇઆરની ખૂબજ જટીલ અને લાંબી કામગીરી અત્યંત ટૂંકાગાળામાં ૫ૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી બાજુ ઘેર ઘેર જઇને મતદારને ફોર્મ વિતરણ કર્યા બાદ તેની ઓનલાઇન એન્ટ્રી બીએલઓએ બીએલઓ એપ પર કરવાની રહે છે.
પરંતુ સર્વરમાં ધાંધિયા તથા ઘર નંબરના ક્રમાંકમાં મતદારોના મકાન ન હોય બીએલઓને આ કામગીરી કરવામાં પગે પાણી ઉતરતા પારાવાર માનસીક તાણ અનુભવી રહ્યા છે. આ કપરી અને કટોકટી ભરેલી સ્થિતિમાં એસઆઇઆરની કામગીરી કરવા માટે તંત્ર દ્રારા અસહ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રાજયમાં એક શિક્ષકે આપઘાત કર્યાનો તો બે બીએલઓના હાર્ટએટેકથી મૃત્ય થયાના બનાવ બન્યા છે. આમ છતાં તંત્ર દ્રારા આ કામગીરી પૂર્ણ કરવા બીએલઓે માનવી નહીં પરંતુ મશીન હોય તે રીતે સતત સૂચના આપી દબાણ કરાતા આ કામગીરી કરતા કર્મચારીઓ અત્યંત દયનીય સ્થિતિમાં મૂકાયા છે.
જામનગરમાં પણ એસઆઇઆરની કામગીરી માટે કેટલું દબાણ કરવામાં આવે છે તેનો ચોંકાવનારો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સોશીયલ મીડીયા(વોટસએપમાં) ૭૯-જામનગર બીએલઓનું ગ્રુપ બનાવામાં આવ્યું છે. જેમાં ૨૯૭ બીએલઓનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાં શુક્રવારે રાત્રીના ૧૨.૩૩ કલાકે એટલે કે મધરાત્રીના હાલમાં બીએલઓ એપ ખૂબજ ઝડપથી ચાલે છે, તો મહેરબાની કરીને મહતમ લાભ લેવાનો મેસેજ મૂકવામાં આવ્યો છે.
મધરાત્રીના આ મેસેજ ગ્રુપમાં મૂકાતા બીએલઓ રાત ઉજાગરા કરીને કામગીરી કરતા હોવાનું તો આ કામગીરી માટે તંત્ર દ્રારા સતત દબાણ કરવામાં આવી રહ્યાનો બોલતો પુરાવો છે. એસઆઇઆરની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની લ્હાયમાં અસહ્ય દબાણથી રાજયમાં બીએલઓના અપમૃત્યુ અને આપઘાતના કરૂણ બનાવ બાદ પણ માનવતા નેવે મૂકાઇ ગઇ હોય તેમ આ કામગીરી કરવા સતત દબાણ ચાલુ રાખવામાં આવતા બીએલઓની અત્યંત દયનીય સ્થિતિમાં મૂકાતા ત્રાહીમામ પોકારી ગયા છે.
બગડતી માનસીક સ્થિતિ, પરિવારને સમય આપી શકતા નથી, જાયે તો જાયે કહાં
જામનગરમાં એસઆઇઆરની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સતત દબાણ તંત્ર દ્રારા કરવામાં આવતા ખૂબજ તણાવને કારણે માનસીક સ્થિતિ બગડી રહ્યાની ફરિયાદો બીએલઓમાં ઉઠી છે. આટલું જ નહીં મૂળ ફરજ ઉપરાંત આ કામગીરી કરવાની હોવાથી પરિવારને પણ સમય આપી શકતા નથી. જેના કારણે સામજીક પ્રશ્ર્નો ઉભા થતાં મુશ્કેલી બેવડાઇ હોવાનું બીએલઓએ જણાવ્યું છે.આમ છતાં દિવસમાં વારંવાર આટલી કામગીરી આજે પૂર્ણ કરવાની છે તે સહીતની સૂચના અને દબાણથી જાયે તો જાયે કહાં અને કરવું તો શું કરવું તેવી દયનીય સ્થિતિમાં મૂકાયા હોવાની રાવ બીએલઓમાં ઉઠી છે.
જામનગરના અમુક વિસ્તારોમાં એક ફોર્મ મળ્યાની મતદારોમાં ફરિયાદો
રાજયની સાથે જામનગરમાં પણ એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત બીએલઓ દ્રારા શરૂઆતમાં મતદોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બે ફોર્મ મતદારોને આપવાના હતાં. પરંતુ શહેરના અમુક વિસ્તારોમાં બીએલઓ દ્રારા એક જ ફોર્મ આપવામાં આવ્યાની ફરિયાદો મતદારોમાં ઉઠી છે. બીજી બાજુ એક ફોર્મ આપતા મતદારો દ્રારા બીજા ફોર્મની માંગણી કરાતા મોબાઇલમાં ફોટો પાડી પ્રીન્ટ કાઢી લેવા બીએલઓ દ્રારા જણાવામાં આવતું હોવાની ફરિયાદો મતદારોમાં ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application