પેડક રોડ રહેતા દુધના ધંધાર્થી શખસે નાશાની હાલતમાં બેફામ બની પોલીસમેનનો કોલર પકડી તું મને ઓળખતો નથી, ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ કહીં લોકરક્ષકને ધમકી આપી હતી.આ અંગે બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવનાર વિશાલ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપક જેન્તીભાઇ પાનસુરીયા(ઉ.વ. ૪૩ રહે.રણછોડનગર શેરી નં.૩ શ્રી ટેલિકોમની સામેની શેરી પેડક રોડ) નું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી લોકરક્ષક તરીકે ફરજ બજાવ છે. ગઈકાલે તેઓ અને હોમ ગાર્ડ જવાન સંદીપભાઇ બારૈયા સમન્સ બજવણીની કામગીરી અર્થે વિસ્તારમા ફરતા હતા તે દરમ્યાન પેડક રોડ શ્રી ટેલીકોમની સામેની શેરી રણછોડનગર શેરી નં.૦૩ પાસેથી પસાર થતા હતા ત્યારે ખાગની રાહે બાતમી મળેલ કે, આ શેરીમાં આવેલ વિશાલ મિલ્ક નામની ડેરીની અંદર એક વ્યક્તિ ઇંગલીશ દારૂ પીવે છે, જેથી તે શખ્સ ભાગી ન જાય માટે રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તે જગ્યાએ પહોંચી ગયેલ અને તે શખ્સને કોર્ડન કરી અન્ય સ્ટાફને બોલાવેલ હતો.
દરમિયાન તે શખ્સ પુછવા લાગેલ કે તમે કોણ છો? તો ફરીયાદીએ પોલીસ તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી કહેલ કે, અમને બાતમી મળેલ છે કે, અહિં દારૂ પીવાય રહ્યો છે, જેની ખરાઇ કરવા આવેલ છીએ, તેમ કહેતા તે શખ્સ ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, તું મને ઓળખતો નથી, હાલ મારી ઉપર ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ તેમ કહી કોલર પકડી લીધેલ જેથી કોલર છોડાવી લેતા સાથેના હોમગાર્ડ સંદીપભાઇ સાથે જપાજપી કરવા લાગેલ અને તેની પાછળથી ડોક પકડી લીધેલ હતી.
દરમિયાન તેના પરિવારનાં સભ્યો પણ હાજર હોય અને બહાર માણસો ભેગા ન થાય કે કોઇ બનાવ ન બને તેથી ૧૧૨ માં ફોન કરી દેતા પોલીસની ગાડી આવી ગયેલ અને આરોપી કેફી પ્રવાહી પીધેલી હાલતમાં હોય જેથી પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. પોલોસની ઓળખ આપવાં છતાં ગર્ભિત ધમકી આપી કોલર પકડી ફરજમાં રૂકાવટ કરતાં આ ફરીયાદ નોંધાવી હતી.