ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ વર્તમાન 16 મંત્રીઓએ પોતાના રાજીનામા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપી દીધા છે. રાજીનામા આપ્યા બાદ કેટલાક મંત્રીઓએ પોતાની ઓફિસો ખાલી કરવા લાગ્યા છે. તેમજ નવા મંત્રીઓ માટે ગાડી અને બંગલાની સૂચના આપવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા હતાં. તેમના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે હાઈકમાન્ડના નિર્ણયની મંત્રીઓને જાણકારી આપી હતી. ત્યારબાદ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા હતાં. હવે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે બેઠક કરશે અને નવા મંત્રીઓની યાદી પણ સોંપશે. બીજી તરફ વહિવટી તંત્રએ પણ નવા મંત્રીઓની ગાડીઓ અને બંગલા અંગેની વિગતો મેળવવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાત સામાન્ય વહીવટ વિભાગને રાજ્ય સરકારના નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના આપી દેવામાં આવી છે. જેથી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓ અંગે વિગતો મંગાવવામાં આવી છે. શપથવિધિ બાદ નવા મંત્રીઓને વાહન અને મકાનો ફાળવવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેમના બંગલા અને ગાડીઓ પરત લેવામાં આવશે. આ બંગલા અને ગાડીઓ નવા મંત્રીઓને ફાળવવામાં આવશે. રાજીનામું આપનાર કેટલાક મંત્રીઓએ ઓફિસો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.
રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા
મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં હાઈકમાન્ડના નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતાં. જે ધારાસભ્યોને મંત્રી પદ મળવાનું છે તેમને જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જે મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે તેમની સાથે પણ બેઠક કરાશે. આવતીકાલે બપોરે 12.39 વાગ્યે વિજય મુહુર્તમાં શપથવિધિ યોજાશે.