નાબાલિક બાળકોને સખી વન સેન્ટર પોરબંદર ખાતે સુરક્ષિત રીતે સોંપાયા
નાબાલિક બાળકોને સખી વન સેન્ટર પોરબંદર ખાતે સુરક્ષિત રીતે સોંપાયા
October 02, 2025 09:45 AM
રેલ સુરક્ષા બળ, પોરબંદર પોસ્ટ પર ફરજ પર તહેનાત સહાયક ઉપનિરીક્ષક ધર્મેન્દ્ર ચૌધરી દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમ્યાન સવારી ગાડી ક્રમાંક ૧૯૨૦૮ (રાજકોટપોરબંદર)ના આગમન સમયે પ્લેટફોર્મ ક્રમાંક ૩/૪ પર એક નાબાલિક છોકરી અને એક નાબાલિક છોકરો (ઉંમર અંદાજે ૭-૮ વર્ષ) શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળ્યા હતા. બાળકોને પોસ્ટ પર લાવીને પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેઓ બોલી શકતા ન હોવાથી ફક્ત ઇશારાઓ દ્વારા જ પોતાની વાત કહી રહ્યા હતા, જેના કારણે તેઓ ગૂંગા હોવાનું જણાતું હતું. બંને બાળકો પાસે કોઈપણ ઓળખ સંબંધિત દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય આ સંદર્ભે જિલ્લા બાળ સુરક્ષા એકમ (ઉઈઙઞ) પોરબંદરના કમલેશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના માર્ગદર્શન મુજબ બંને બાળકોને સખી વન સેન્ટર પોરબંદર ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને સખી વન સેન્ટરની ઇન્ચાર્જ રાજીબેન દ્વારા બંને બાળકોને આશ્રય આપવાની સંમતિ આપવામાં આવી હતી. જરૂરી ઔપચારિકતાઓ તથા કાગળપત્રની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને નાબાલિક બાળકોને સુરક્ષિત રીતે સખી વન સેન્ટર, પોરબંદર ખાતે સોંપવામાં આવ્યા હતા. આમ રેલવે સુરક્ષા બળ, પોરબંદર દ્વારા સમયસર કરવામાં આવેલી કાર્યવાહીથી બંને નાબાલિક બાળકોને સુરક્ષિત આશ્રય મળી શક્યો.