BREAKING NEWS

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી 50 લાખનો દુબઈ હવાલો પડાવનાર બે શખ્સો ઝડપાયા

  • April 08, 2026 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગીલા રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ આંગડિયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવી છે. આરોપીઓએ માત્ર લૂંટ જ નહીં, પરંતુ કર્મચારીઓને હથિયાર બતાવી ધમકાવીને દુબઈમાં લાખોનો હવાલો નખાવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે શબ્બીર ઉર્ફે જાબર જુણેજા અને તૌફીક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખની ધરપકડ કરી છે.


શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો મુજબ, આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. લૂંટારુઓએ કર્મચારીઓને રૂ. 50 લાખ આપ્યા નહોતા, પરંતુ હથિયારના જોરે તેમને ધમકાવ્યા હતા. આરોપીઓએ કર્મચારીઓ પાસે પરાણે એવું બોલાવડાવ્યું હતું કે રૂપિયા 50 લાખ મળી ગયા છે. આ રીતે ખોટી પુષ્ટિ કરાવીને આરોપીઓએ દુબઈમાં રૂ. 50 લાખનો હવાલો પડાવ્યો હતો અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.


5 લાખની લાલચમાં ગુનાને આપ્યો અંજામ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓએ માત્ર રૂપિયા 5 લાખના કમિશનની લાલચમાં આવીને આ આખા કારસ્તાનમાં ઝંપલાવ્યું હતું. તેઓએ આંગડિયા પેઢીના આર્થિક વ્યવહારોની માહિતી મેળવીને આખું પ્લાનિંગ કર્યું હતું.


આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

પકડાયેલા આરોપીઓ પૈકી શબ્બીર ઉર્ફે જાબર જુણેજા રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ (કલમ 307), આર્મ્સ એક્ટ (ગેરકાયદે હથિયાર રાખવા), જુગારના બે અલગ-અલગ ગુનાઓ સહિત કુલ ચાર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી આ લૂંટ અને હવાલા પાછળ અન્ય કયા મોટા માથાઓની સંડોવણી છે તે દિશામાં તપાસ તેજ કરી છે. આરોપીઓએ આ હવાલો કોના કહેવાથી પડાવ્યો અને દુબઈમાં કોને રૂપિયા મોકલ્યા તે અંગેના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application