શહેરના જામનગર રોડ પર આવેલ આઈઓસી પ્લાન્ટ ખાતેથી બૉમ્બ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસને બૉમ્બ અંગે કોલ મળતા જ એસઓજી, બૉમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્યુઆરટી અને ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. એક કલાક સુધી સર્ચ કરી બૉમ્બ શોધી લેવાયો હતો. બાદમાં આઈઓસી પ્લાન્ટ ખાતે જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોય બૉમ્બને સુરક્ષિત સ્થળે લઇ જઈ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. અંતે આ સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો.
આજરોજ વહેલી સવારે જામનગર રોડ પર આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પ્લાન્ટ ખાતે શંકાસ્પદ બૉમ્બ જેવો પદાર્થ મળી આવ્યાનો કોલ શહેર પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો. જેના પગલે પીએસઆઈ વી.વી.ધ્રાંગુ સહીતની એસઓજીની અલગ અલગ ચાર ટીમો, ગાંધીગ્રામ પોલીસની ટીમ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ આઈઓસી પ્લાન્ટ ખાતે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ આઈઓસી પ્લાન્ટ ખાતે હાજર કર્મચારીઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ એસઓજીએ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદથી શંકાસ્પદ બૉમ્બ શોધી કાઢ્યો હતો. મળી આવેલ શંકાસ્પદ પદાર્થ બૉમ્બ જ હોવાની ખરાઈ બૉમ્બ સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી. આઈઓસી પ્લાન્ટ ખાતે પેટ્રોલિયમ પદાર્થનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોય જેથી બૉમ્બ ડિફ્યુઝ કરતી વેળાએ કોઈ દુર્ઘટના ન બને તે માટે બૉમ્બ સ્કવોડ દ્વારા બૉમ્બને સુરક્ષિત સ્થળે લઇ જઈ ડિફ્યુઝ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બાદમાં બોમ્બ સ્કવોડ દ્વારા બૉમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. જે બાદ આઈઓસી પ્લાન્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. અંતે સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.